યૂક્રેન એકલું પડ્યું: રશિયાને યુદ્ધમાં નાથવાનું વિશ્વના દેશો માટે સરળ નથી

Thursday 03rd March 2022 05:36 EST
 
 

મોસ્કો - નવીદલ્હી: યુરોપમાં રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલા જંગમાં રશિયાને હુમલા કરતા રોકવાનું વિશ્વનાં અન્ય દેશો માટે માનીએ છીએ તેટલું આસાન નથી. આ જંગમાં યૂક્રેન એકલું પડી ગયું છે. તેણે અમેરિકા અને ‘નાટો’ દેશો સામે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓને શંકા છે કે રશિયા આગામી કેટલાક કલાકોમાં યૂક્રેનની રાજધાની કિવ પર કબજો જમાવી લેશે. આ શંકા અસ્થાને પણ નથી. રશિયાનું લશ્કર કિવની નજીક પહોંચી ગયું છે. જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તે જોતા એક અઠવાડિયામાં યૂક્રેનની સરકાર પણ સત્તા ગુમાવી દે તો નવાઈ નહીં.
અહીં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે અમેરિકાનો ટેકો ધરાવતું યૂક્રેન શા માટે એકલુંઅટુલું પડી ગયું? અમેરિકા અને ‘નાટો’ દેશો શા માટે રશિયાથી સીધો જંગ ખેલવા તૈયાર નથી? સીધા હુમલાને બદલે તેઓ શા માટે નિવેદનો અને પ્રતિબંધોની વાત કરીને અટકી ગયા છે? રશિયાને ચીનનો સાથ છે. રશિયા અને ચીન બન્ને પાસે ઢગલાબંધ પરમાણુ શસ્ત્રો છે. જો યુએસ કે ‘નાટો’ દેશો સીધો જંગ છેડે તો અણુશસ્ત્રો મોટી તબાહી મચાવી શકે છે. આથી કોઈ દેશ રશિયા સામે સીધો જંગ છેડવા તૈયાર નથી. આથી યૂક્રેન એકલું પડી ગયું છે.
અમેરિકાએ પણ રશિયા સામે સીધો જંગ ખેલવાનું ટાળ્યું
રશિયા અને પુતિન સામે ટકરાવું કોઈ પણ દેશ માટે સરળ નથી. અમેરિકા પણ આ વાત સારી રીતે જાણે છે. આથી તેણે કહ્યું કે તે યુએસ સેના યૂક્રેનમાં મોકલશે નહીં. ‘નાટો’એ પણ તેના સૈનિકોને સીધા જંગમાં મોકલવા ઇનકાર કર્યો છે. પરિણામે યૂક્રેન એકલું પડી ગયું છે અને એકલા હાથે જેટલું લડાય તેટલું રશિયા સામે લડવાનું છે.
યૂક્રેનમાં અમેરિકાનાં કોઈ હિતો નથી, યૂક્રેન ‘નાટો’ દેશોનું સભ્ય નથી, અફઘાનિસ્તાન અને સીરિયામાં લડયા પછી અમેરિકનો હવે વધુ યુદ્ધ અને પરાજય વહોરવા ઇચ્છતા નથી, રશિયા પાસે પરમાણુ શસ્ત્રો છે જે વિનાશક પુરવાર થઈ શકે છે. આ બધા કારણોસર અમેરિકાએ યૂક્રેનમાં રશિયા સાથે સીધો જંગ ખેલવાનું ટાળ્યું છે.
રશિયાથી યુરોપના દેશો શા માટે ડરી રહ્યાા છે
રશિયાથી યુરોપનાં દેશો ડરી રહ્યા છે કારણ કે, તેમની મોટા ભાગની ઇકોનોમી રશિયા પર નિર્ભર છે. યુરોપનાં દેશોને રશિયા દ્વારા ઊર્જાની તમામ જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. યુરોપિયન યુનિયનનાં દેશો કે જેઓ ‘નાટો’નાં સભ્ય છે છતાં ૪૦ ટકા ગેસ તે રશિયા પાસેથી ખરીદે છે. જો રશિયા ગેસ અને ક્રૂડનો સપ્લાય બંધ કરે તો યુરોપમાં મોટામાં મોટું ઊર્જા સંકટ સર્જાય તેમ છે. ત્યાં વીજળી અને પેટ્રોલિયમના ભાવ આસમાને પહોંચી શકે છે. આથી તેઓ રશિયા સાથે જંગમાં ઊતરીને તેની ખફગી વહોરવા માંગતા નથી.
પુતિન બધી ધમકીને ઘોળીને પી ગયા
રશિયા જ્યારે યૂક્રેન પર હુમલાની તૈયારી કરતું હતું ત્યારે જ મહાસત્તા અમેરિકા, ‘નાટો’ દેશો તેમજ બ્રિટને રશિયાને આકરા આર્થિક પ્રતિબંધોની ધમકીઓ આપી હતી. જોકે પુતિન આવી ધમકીઓ ઘોળીને પી ગયા હતા. યુએસ દ્વારા માઠાં પરિણામો ભોગવવા આપેલી ધમકીઓ પણ આખરે પોકળ જ પુરવાર થઇ. પુતિને આખરે પોતાનું ધાર્યું કર્યું અને યૂક્રેન પર હુમલો કર્યો જ.
રશિયા પર યુએસ અને ‘નાટો’ના પ્રતિબંધોની કોઈ અસર નહીં
યુએસ તેમજ ‘નાટો’ દેશો અને બ્રિટન દ્વારા રશિયા પર જે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તેની રશિયા પર કોઈ માઠી અસર પડે તેમ નથી. રશિયાએ તેનો પ્રભાવ અને વર્ચસ્વ એવું વધાર્યું છે કે તેને પ્રતિબંધો હચમચાવી શકે તેમ નથી.
રશિયાના વિદેશી હૂંડિયામણના ૬૩૦ બિલિયન ડોલરના ભંડારમાંથી હવે ફક્ત ૧૬ ટકા હિસ્સો જ ડોલરના મૂલ્યમાં છે જે રશિયાને માઠી અસર કરે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter