વોર્સો: પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત પછી કહ્યું હતું કે યૂક્રેન યુદ્ધનો સત્વરે અંત આણવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ટસ્કે કહ્યું કે મોદીએ યુદ્ધના શાંતિપૂર્ણ અંત માટે પોતાની વ્યક્તિગત પ્રતિબદ્ધતા દર્શાવી છે. વડાપ્રધાન મોદી યૂક્રેનના કીવની મુલાકાત પૂર્વે બુધવારે પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા હતા.
આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ યુદ્ધો કરવાનો સમય નથી. યુદ્ધમાં નિર્દોષોનાં મૃત્યુ માનવતા માટે મોટો પડકાર છે. યૂક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે.
મોદીએ યૂક્રેન યુદ્વની શરૂઆતમાં ભારતીય વિદ્યાર્થીઓના સ્વદેશગમન અંગે શરૂ કરાયેલા ‘ઓપરેશન ગંગા’માં પોલેન્ડના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડૂડાને પણ મળ્યા હતા. મોદીએ જામસાહેબ યુથ એક્સચેન્જ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલેન્ડથી વડાપ્રધાન મોદી રેલ ફોર્સ વન ટ્રેનથી યુકેની રાજધાની કીવ પહોંચ્યા હતા.