કિવઃ રશિયા સાથે યુદ્ધ વચ્ચે યૂક્રેને એક અવળચંડી હરકત કરીને હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. રશિયાએ શનિવારે દાવો કર્યો હતો કે યૂક્રેને ક્રીમિયામાં તેના 10 ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો કર્યો. ત્યાર બાદ યૂક્રેનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની તસવીર ટ્વિટર પર શેર કરી. તેની સામે રશિયનોથી વધુ ભારતીયોએ વાંધો ઉઠાવ્યો, કેમ કે તસવીરમાં હુમલાથી થયેલા ધુમાડા પર કાલી માતાને સ્કર્ટમાં દર્શાવાયા હતા. યૂક્રેનના સંરક્ષણ મંત્રાલયે આ તસવીર સાથે ‘વર્ક ઓફ આર્ટ’ લખ્યું હતું.
તસવીરમાં કાલી માતાને હોલિવૂડ અભિનેત્રી મેરિલીન મનરોની જેમ પોઝ આપતા દર્શાવાતા સોશિયલ મીડિયા પર ભારતીય યૂઝર્સે ભારે નારાજગી સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આ ટ્વિટ તત્કાળ ડિલીટ કરવામાં આવે અને યૂક્રેનનું સંરક્ષણ મંત્રાલય માફી માગે તેવી માગ કરી હતી. ભારે હોબાળાને પગલે ટ્વિટ ડિલીટ કરી દેવાઇ હતી. આમ છતાં લોકોએ ટ્વિટના સ્ક્રીનશોટ લઇને વિદેશમંત્રી એસ. જયશંકર આ મામલે હસ્તક્ષેપ કરે તેવી માગ કરી હતી.
કેટલાક યૂઝર્સે એમ પણ કહ્યું કે રશિયા સામેના યુદ્ધમાં ભારતે તેનું સમર્થન ન કર્યું હોવાના કારણે તે ભારતીયોને ટારગેટ કરી રહ્યું છે તો કેટલાકે આને ભારત-રશિયા વચ્ચે સારા સંબંધોનો ડર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રશિયા સાથે યુદ્ધમાં યુક્રેન સાવ પાયમાલ થઇ ચૂક્યું છે એવામાં ભારત સાથે દુશ્મની તેને મોંઘી પડી શકે છે.