કિવ: રશિયાએ યૂક્રેનના લશ્કર સમક્ષ મારિયુપોલમાં આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યૂક્રેને એને ફગાવી દઈને યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. યૂક્રેનના નાયબ વડા પ્રધાને કહ્યું હતું કે આત્મસમર્પણ કરવાનો કોઈ જ સવાલ ઉઠતો નથી. મારિયુપોલની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ શહેરના અસંખ્ય લોકો માર્યા ગયા છે અને બાકીના લોકો ભૂખે મરી રહ્યા છે. રશિયાના કર્નલ જનરલ મિખાઈલ મિઝિન્ટસેવે યૂક્રેન સમક્ષ મારિયોપોલમાં આત્મસમર્પણ કરી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના જવાબમાં યુક્રેનની પ્રતિક્રિયા આવી હતી.
પ્રમુખ બાઇડેન પોલેન્ડના પ્રવાસે
રશિયા-યૂક્રેનના યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પોલેન્ડની મુલાકાત કરશે. વ્હાઈટ હાઉસના એક સત્તાવાર નિવેદન પ્રમાણે બાઈડન પોલેન્ડમાં રોકાઈને નાટોના સભ્ય દેશો સાથે વાર્તાલાપ કરશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોં, જર્મનીના ચાન્સલર ઓલાફ શોલાઝ, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘી વગેરેની બાઈડન સાથે પોલેન્ડમાં મીટિંગ થાય એવી પણ શક્યતા છે. બાઈડેનની આ યુરોપ મુલાકાત રશિયા-યૂક્રેનના યુદ્ધ માટે ખૂબ જ મહત્વની ગણાઈ રહી છે. બાઈડન પોલેન્ડની મુલાકાત પછી મહત્વની જાહેરાતો કરે એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
નાટો અમને સામેલ કરશે કે નહીંઃ ઝેલેન્સ્કી
રશિયા યૂક્રેન યુદ્ધનો મંગળવારે 27મો દિવસ હતો. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટોને સ્પષ્ટ અંદાજમાં સવાલ પૂછ્યો છે કે NATO સ્પષ્ટ કરે કે યૂક્રેનને પોતાના અલાયન્સમાં સ્થાન આપે છે કે નહીં? સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે. જ્યારે યૂક્રેનના વિદેશ મંત્રાલયે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડોનબાસના ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી લગભગ 2500 યુક્રેની બાળકોને કિડનેપ કરીને રશિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે.
બીજીતરફ, યુક્રેન યુદ્ધના કારણે યુરોપમાં શરણાર્થી સંકટ સતત ઘેરું બનતું જાય છે. જર્મન વિદેશ મંત્રીએ યુરોપિયન યુનિયનને 80 લાખ યુક્રેની શરણાર્થીઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. યુએન હ્યુમન રાઇટ્સ કમિશનના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોને દેશની અંદર અને બહાર શરણાર્થી તરીકે શિફ્ટ કરવામાં આવ્યા છે.