યે બંધન તો પ્યાર કા બંધન હૈ...

યુગલ વેલેન્ટાઈન ડેથી ચેન બાંધીને સળંગ ૧૨૩ દિવસ એકબીજા સાથે રહ્યું

Wednesday 23rd June 2021 04:50 EDT
 
 

કિવઃ યુક્રેનમાં આ વખતે વેલેન્ટાઈન દિવસે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં એક ચેલેન્જ હતી અને તે હતી એક સ્ત્રી અને એક પુરુષ કપલ તરીકે એકબીજા સાથે કેટલો સમય રહી શકે છે. આ ચેલેન્જની સૌથી મોટી ખાસિયત એ હતી કે ગુનેગારોને ચેનથી બાંધવામાં આવે છે તેમ કપલને પણ ચેનથી બાંધવામાં આવ્યું હતું. તેઓને તેના લીધે બધું જોડે રહીને કરવું પડતું હતું. યુક્રેનના આ યુગલે ૧૨૩ દિવસ જોડે રહ્યા પછી છૂટા પડવાનો નિર્ણય લીધો અને બધાની હાજરીમાં ચેન કપાવી. જોકે જોવા જેવી વાત એ છે કે વેલેન્ટાઇન પર્વે પ્રેમના બંધને બંધાયેલા આ કપલે - ૨૯ વર્ષની વિક્ટોરિયા અને ૩૩ વર્ષના એલેક્ઝાન્ડરે - ચેઈન કાપવામાં આવ્યા પછી તેમના રસ્તા અલગ કરી દીધા!
વિક્ટોરિયાએ જણાવ્યું હતું કે હવે હું મારું જીવન મારી રીતે જીવવા માંગું છું અને એક અલગ વ્યક્તિત્વ બનાવવા માંગું છું. હું આઝાદ છું. આ યુગલે ચેન તે જ સ્મારક પાસે કપાવી જ્યાં તેઓ બંધાયા હતા. ચેન કપાયા પછી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે અમને સમર્થન આપવા બદલ ધન્યવાદ. અમે ખુશ હતા અને અમારા જીવનમાં આ અનુભવ મેળવીને પણ ખુશ છીએ. યુક્રેનમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવવા બદલ અમને ગર્વ છે.
યુગલે સ્વીકાર્યું હતું કે કોઈ પણ પ્રકારની સ્પેસ અને પ્રાઈવસી વગર રહેવાના લીધે તેના સંબંધોમાં તિરાડ પડી અને આ કારણે તેમણે તેમના લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લેવો પડ્યો.
એલેક્ઝાન્ડરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે અમારી વચ્ચે સંઘર્ષ વધતો જતો હતો. એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે અમે જેવા સારી સ્થિતિમાં આવતા હતા તે સાથે જ એકાદ-બે ખરાબ બાબત અમારી સાથે બની જતી હતી. વિક્ટોરિયા પોતાના અગાઉના જીવનમાં પરત ફરવા માંગતી હતી. તે એ ચીજોને યાદ કરતી હતી જેને તે પહેલા પસંદ કરતી હતી. મેં તેને પ્રસ્તાવ મૂક્યો કે તે મારી સાથે રહીને પણ આ બધું કરી શકે છે. પરંતુ તેણે તેના પર યોગ્ય જવાબ ન આપ્યો.
એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે વિક્ટોરિયા જ્યારે મેક-અપ કરતી હતી ત્યારે તેની જોડે બેસી રહેવામાં મને બહુ કંટાળો આવતો હતો. સવારના પહોરમાં અરીસા સામે કલાકો સુધી બેસી રહેવું મને પસંદ નથી. ખાવાનું બનાવતા અથવા તો ફોન પર વાત કરતી વખતે પણ અવાજને લીધે મને તકલીફ પડતી હતી. અમે અમારા મતભેદ - ઝઘડો આગળ ન વધે તે માટે પૂરો પ્રયત્ન કરતા હતા. અમે એકબીજા પરથી ધ્યાન હટાવવા માટે ભીડમાં જઈને રિલેક્સ થતા હતા. અમે જ્યારે શોપિંગ પર જતા હતા ત્યારે ઘણા ખુશ રહેતા હતા. પરંતુ ઘરે પાછા ફરતા અમને ઘણું દુઃખ થતું હતું.
આ ચેનમાંથી મુક્તિ મેળવ્યા પછી વિક્ટોરિયા અને એલેક્ઝાન્ડર હવે જુદા જુદા શહેરોમાં રહેશે. એલેક્ઝાન્ડરના જણાવ્યા મુજબ ઘણી વખત એવું બન્યું કે મને ચેન કાપી નાંખવાની ઈચ્છા થઈ આવતી હતી, પરંતુ સમય વીતવાની સાથે હું શાંત થતો ગયો. ચેનમાં બંધાયેલા હોવા છતાં એલેક્ઝાન્ડરે તેનું કામ જારી રાખ્યું હતું. એલેકઝાન્ડર કાર અને ઓટો પાર્ટ્સ વેચવાનું કામ કરતો હતો અને તે સમયે વિક્ટોરિયા તેની જોડે રહેતી હતી.
જોકે, વિક્ટોરિયાને તેનું કામ છોડવું પડ્યું હતું. તે નકલી આઈલેશ બનાવવાનું કામ કરતી હતી, પરંતુ તેના ક્લાયન્ટે તેને કામ આપવાનો ઈન્કાર કરી દીધો. કેમ કે તે ઈચ્છતા ન હતા કે કામ દરમિયાન બોયફ્રેન્ડ તેમની જોડે બેસે.
જોકે સૌથી મોટી મુશ્કેલી ટોઈલેટ અંગે હતી. વિક્ટોરિયા એલેક્ઝાન્ડરને લેડીઝ ટોઈલેટમાં લઈ જતી હતી જે તેને સારું લાગતું ન હતું. લાંબા સમયથી બંધાયેલી ચેનને લીધે બંનેના કાંડામાં દર્દ પણ થવા લાગ્યું હતું. ચેનમાં બંધાયેલા આ દંપતીની ચેન યુક્રેન રેકોર્ડ્સના પ્રમુખ વિટાલી જોરિનની હાજરીમાં કાપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter