વોશિંગ્ટનઃ અમેરિકામાં એક અઠવાડિયાથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે વધારે હિંસક અને વિધ્વંશક બની ગયું છે. જગતજમાદાર બનીને ફરી રહેલા અમેરિકામાં અત્યારે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. અહીંયા સ્થિતિ ત્યાં સુધી વણસી છે કે, સમગ્ર દુનિયાને દમદાટી આપનાર ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસના બંકરમાં સંતાવાની ફરજ પડી હતી. ફ્લોયડની હત્યાને પગલે હવે માત્ર અમેરિકા જ નહીં વિશ્વભરમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રંગભેદના ભોરિંગને કચડી નાખવા માટે વિશ્વસ્તરે માગ ઊઠી છે.
સમગ્ર વિશ્વમાં ફ્લોયડની હત્યાનો મુદ્દો ચર્ચામાં છે. ખાસ કરીને જ્યાં રંગભેદનો સડો પેસેલો છે તેવા દેશોમાં તો આ મુદ્દે લોકો રસ્તે ઊતરી આવ્યા છે.
લંડનમાં લોકોએ યુએસ એમ્બેસીની બહાર ટોળે વળીને બ્લેક લોકોને ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. (વિશેષ અહેવાલ વાંચો પાન - ૪)
ન્યૂઝીલેન્ડમાં ચાર સ્થળોએ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સોમવારે ઓકલેન્ડમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી હતી. ઓટાવા સ્ક્વેર ખાતે દસ હજારથી વધારે લોકો વિરોધ રેલીમાં જોડાયા હતા. યુએસ એમ્બેસી બહાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને અમેરિકન સરકારની નિંદા કરી હતી.
બર્લિનમાં સતત બીજા દિવસે લોકો સાઈલન્સ ઈઝ વાયોલન્સ અને હોલ્ડ કોપ્સ અને પોલીસ હત્યા કરે ત્યારે કોની પાસે જવું વગેરે લખાણ ધરાવતા પોસ્ટર લઈને નીકળી પડયા હતા. લોકોની એક જ માગ છે કે, રંગભેદની આ નીતિઓ દૂર કરવામાં આવે. બ્લેક લોકોને જે અન્યાય થઈ રહ્યો છે તે દૂર કરીને યોગ્ય સમાજ વ્યવસ્થા ઘડવામાં આવે.
દિગ્ગજ ટેક્નોક્રેટ્સ સમાનતાની તરફેણમાં
ભારતવંશી ટેક્નોક્રેટ સત્ય નદેલા, સુંદર પિચાઈ ઉપરાંત ટિમ કૂક પણ વંશીય સમાનતાની તરફેણમાં આગળ આવ્યા છે. અમેરિકાની અગ્રણી કંપનીઓના ટેક્નોક્રેટ્સે પણ આફ્રિકન અમેરિકન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલાએ કહ્યું છે કે, ‘રોજ રંગભેદ, ભેદભાવ અને ઘૃણાના સમાચારો આવે છે. અમને આ બધા જ માટે સહાનુભૂતિ છે.’ એપલના સીઈઓ ટિમ કૂકે પણ કહ્યું છે કે, ‘અહીં સાથે રહેવા આપણે એકબીજા સાથે ઊભા રહેવું પડશે.’ આ જ રીતે, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વિટ કરી છે કે, ‘યુએસ ગૂગલ અને યુ ટ્યૂબના હોમ પેજ પર અમે અશ્વેત લોકો સાથે એકજૂટતા દર્શાવી છે. જે લોકો દુ:ખ મહેસૂસ કરી રહ્યા છે, તેઓ એકલા નથી.’
અમેરિકા પોતાની તરફ પણ જુએ: ચીનનો ટોણો
હોંગ કોંગમાં બદલાયેલા કાયદા અને ચીનની તાનાશાહી સામે બાંયો ચડાવનારા અમેરિકાને અત્યારે સાંભળવાનો વારો આવ્યો છે. ચીને હવે આ સ્થિતિનો લાભ લીધો છે. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, હોંગ કોંગની સ્થિતિ જાણ્યા વગર ચીનનો વિરોધ કરનારા અને લોકોની ઉશ્કેરણી કરનારા અમેરિકાએ પોતાની તરફ નજર કરવી જોઈએ. ત્યાં એક વ્યક્તિ એવું કહેતા કહેતા મૃત્યુ પામી કે હું શ્વાસ નથી લઈ શકતો. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. દરેક બાબતે વચ્ચે કૂદી પડનારા ટ્રમ્પ ક્યારેક પોતાના શાસન તરફ પણ નજર કરે. ચીન હોંગ કોંગને પોતાની રીતે જ ટ્રીટ કરી રહ્યું છે પણ અમેરિકા તેમાં ચંચુપાત કરે છે. બીજી તરફ તેને ત્યાં જ પોલીસ દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે. અમેરિકાએ આવા બેવડા વલણ છોડી દેવા જોઈએ.