રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.
• પ્રથમ પેસેન્જર કાર 1998ઃ ટાટા જૂથે 1998માં રતન ટાટાના નેતૃત્વ હેઠળ પ્રથમ પેસેન્જર કાર, ટાટા ઇન્ડિકા લોન્ચ કરી. બે વર્ષના ગાળામાં આ કાર તેના ગ્રૂપમાં નંબર વન બ્રાન્ડ તરીકે ઉભરી આવી.
• ટેટલીનું ટેઇકઓવર 2000ઃ ટાટા ટીએ 2000માં બ્રિટનની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની ટેટલી ગ્રૂપને હસ્તગત કર્યું હતું. ટેટલી વિશ્વની બીજી સૌથી મોટી ચા ઉત્પાદક અને વિતરણ કંપની હતી.
• ટાટા-એઆઇજી 2001: અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ ઇન્ક. (AIG) સાથે કરાર કરીને ટાટા ગ્રૂપ વીમા ક્ષેત્રમાં પરત ફર્યું. અગાઉ 1919માં ટાટાએ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સની શરૂઆત કરી હતી.
• VSNL પર નિયંત્રણ 2002: ટાટા ગ્રૂપે વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL)ના કન્ટ્રોલિંગ શેર હસ્તગત કર્યા. તે ન્યૂ યોર્ક એક્સચેન્જમાં લિસ્ટેડ પ્રથમ સરકારી કંપની હતી.
• TCS ની રેકોર્ડ આવક 2003: TCS દેશની પ્રથમ સોફ્ટવેર કંપની બની જેની આવક એક બિલિયન ડોલરનો પાર કરી ગઈ. કંપનીને એક વર્ષ પછી શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી.
• ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો 2004: સાયકોલોજી થ્રિલર ‘એતબાર’ બનાવી. અમિતાભ જેવું મોટું નામ હોવા છતાં ફિલ્મ ન ચાલી. 9.5 કરોડની આ ફિલ્મ 4.25 કરોડની કમાણી કરી શકી હતી.
• ન્યૂ યોર્ક એક્સચેન્જમાં લિસ્ટિંગ 2004: ટાટા મોટર્સનું ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ થયું. તે જ વર્ષે કંપનીએ ડેવુ મોટર્સનું ભારે વાહનોનું યુનિટ હસ્તગત કર્યું.
• નેનોનું આગમન 2008: ટાટા મોટર્સે દેશની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું અનાવરણ કર્યું. રતન ટાટાનું સપનું હતું કે તેઓ દેશવાસીઓને એક લાખ રૂપિયામાં કાર આપશે.
• જગુઆર-લેન્ડરોવર 2008: ટાટા મોટર્સે ફોર્ડની લક્ઝરી કાર બ્રાન્ડ જગુઆર-લેન્ડ રોવર ટેઇકઓવર કરી. જગુઆર લેન્ડ રોવર નામની નવી કંપનીની રચના કરી.
• એર ઈન્ડિયા ફરી ટાટાના હાથમાં 2022: એર ઈન્ડિયા ખરીદી. આ રીતે 68 વર્ષ બાદ એર ઈન્ડિયા ફરી ટાટા ગ્રૂપના હાથમાં આવી ગઈ. જેઆરડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. સરકારે 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કર્યું.