નવી દિલ્હીઃ રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો છે. રફાલ વિમાન બનાવતી ફ્રાન્સની કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને એક મિલિયન યૂરો એટલે કે આશરે સાડા નવ કરોડથી વધુ રૂપિયા ગિફ્ટ તરીકે આપવા પડયા હતા. ફ્રાન્સ મીડિયા રિપોર્ટના આ ખુલાસા બાદ ફરી ભારત અને ફ્રાન્સ વચ્ચેના આ સોદાનો વિવાદ ચર્ચામાં આવી ગયો છે.
ફ્રાન્સના પબ્લિકેશન મીડિયાપાર્ટે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ૨૦૧૬માં જ્યારે ભારત-ફ્રાન્સ વચ્ચે લડાકુ વિમાન રફાલને લઇને સોદો થયો હતો તે બાદ વિમાન બનાવતી કંપનીએ ભારતમાં એક વચેટિયાને મોટી રકમ આપી હતી. વર્ષ ૨૦૧૭માં દસોલ્ટ ગ્રૂપના એકાઉન્ટ દ્વારા ૫૦૮૯૨૫ યૂરો ગિફ્ટ ટૂ ક્લાયન્ટ તરીકે અન્યના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સી એએફએએ રફાલ બનાવતી કંપનીના ખાતાનું ઓડિટ કર્યું ત્યારે આ ખુલાસો થયો હતો. જેને આધાર બનાવીને ફ્રાન્સ મીડિયાએ હવે આ મામલાને ઉઠાવ્યો છે અને તેને લઇને ભારતમાં પણ વિવાદ શરૂ થઇ ગયો છે.
આ વિવાદનો ખુલાસો થયા બાદ રફાલ બનાવતી કંપની દસોલ્ટે પણ પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ રકમનો ઉપયોગ રફાલ લડાકુ વિમાનના ૫૦ મોટા મોડલ બનાવવા માટે થયો હતો. જોકે હકીકત એ છે કે આવું કોઇ મોડલ તૈયાર જ નહોતુ કરવામાં આવ્યું. ફ્રાંસીસ રિપોર્ટનો દાવો છે કે ઓડિટમાં આ વાત સામે આવ્યા બાદ પણ ફ્રાન્સની એજન્સીઓએ આરોપો અંગે કોઇ જ એક્શન નથી લીધી. જે ફ્રાન્સના રાજનેતાઓ અને જસ્ટિસ સિસ્ટમની મિલીભગતને પણ ઉજાગર કરે છે.