નવી દિલ્હીઃ કોરોના અને યુક્રેનના સંકટની ગંભીર સ્થિતિ વચ્ચે પણ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસથી ચીન અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ઘરેલુ સમસ્યાઓના કારણે પુતિનનો આ પ્રવાસ માત્ર છ ક્લાકનો હતો, પરંતુ આ પ્રવાસથી ચીન - અમેરિકા અને પાકિસ્તાનની પણ ચિંતાઓ વધી ગઈ છે. ચીન સાથે ભારતના કથળેલા અને અમેરિકા સાથે સુધરેલા સંબંધો વચ્ચે રાજદ્વારી નિષ્ણાતો પુતિનના આ પ્રવાસને ઘણો મહત્વપૂર્ણ ગણાવે છે.
ભારતમાં રણનીતિક ક્ષેત્રે નિષ્ણાતોના જણાવ્યા મુજબ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ ભલે માત્ર છ કલાકનો રહ્યો હોય, પરંતુ તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. ખાસ વાત એ છે કે પ્રમુખ પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડોક સમય એકલા પણ વાતચીત કરી છે. તાજેતરના વર્ષોમાં વિશેષરૂપે ચીન અને ભારત સરહદ વિવાદના સમયે રશિયા અને ભારતના સંબંધોમાં અંતર વધ્યું હોય તેવું જોવા મળતું હતું. બંને દેશોના સંબંધોમાં અગાઉ જેવી ઊર્જાનો અભાવ વર્તાતો હતો. ચીન સરહદ વિવાદ સમયે ભારતને રશિયાના સહયોગની જરૂર હતી, પરંતુ રશિયાએ મૌન ધારણ કર્યું હતું.
આ દરમિયાન ભારત અમેરિકાની ખૂબ જ નજીક ગયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવા અને આતંકવાદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર અમેરિકાએ ખુલીને ભારતનો પક્ષ લીધો હતો. ચીનના પડકારનો સામનો કરવા માટે ક્વાડ જેવા સંગઠનમાં અમેરિકાએ ભારતને સભ્ય બનાવ્યું. અમેરિકા દુનિયા સમક્ષ ભારતને પોતાનો ગાઢ મિત્ર ગણાવે છે.
બીજી બાજુ અમેરિકાના જબરજસ્ત દબાણ છતાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના વલણ પર મક્કમ રહીને ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેની વ્યૂહાત્મક બાબતોમાં ભારત કોઈની દખલ સ્વકારી નહીં લે. આ સોદા અંગે અમેરિકાના વિરોધ અને પ્રતિબંધો લાદવાની તેની ધમકી પછી પણ ભારત તેના વલણ પર અક્કડ રહેશે તેવી રશિયાને આશા નહોતી. આ પગલાંથી રશિયાને ખ્યાલ આવી ગયો કે ભારત તેની વિદેશ નીતિની સૈદ્ધાંતિક નીતિઓમાં કોઈ ફેરફાર નહીં કરે.
રશિયામાં કોરોના મહામારીના કેસ વધવા અને યુક્રેન સંકટની ગંભીર સ્થિતિ વચ્ચે પણ પ્રમુખ પુતિનનો ભારત આવવાનો નિર્ણય એવા પણ સંકેત આપે છે કે ભારત સાથે રશિયાની જૂની મિત્રતા આગળ પણ પ્રાસંગિક જ રહેશે.
પુતિનનો આ પ્રવાસ ભારત અને રશિયાના પારંપરિક સંબંધોમાં ખટાશ આવી હોવાના અહેવાલોને નકારી કાઢે છે.
પુતિને ડિસેમ્બર ૨૦૧૯નો સૂચિત પ્રવાસ પાછો ઠેલતાં, લાવરોવ વિદેશ પ્રધાન તરીકે પહેલી વખત પાકિસ્તાન જતા, આંતરરાષ્ટ્રીય મંચો પર રશિયાની ચીનને મદદ, અમેરિકા સાથે ભારતની વધતી મિત્રતા, ક્વાડની સ્થાપના જેવા મુદ્દાઓને પગલે ભારત-રશિયાના સંબંધો કથળી રહ્યા હોવાની અટકળો પણ દુનિયાભરમાં ચાલતી હતી. જોકે રશિયન પ્રમુખ પુતિનના આ પ્રવાસે તમામ આશંકાઓને ખોટી ઠેરવીને ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવાનું કામ કર્યું છે.