તાઇપેઇઃ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે તાઇવાનના આકાશમાં ચીનના નવ યુદ્ધવિમાન જોવા મળ્યા હતા. આમ ચીન વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકીય સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે. ચીન અને તાઇવાન વચ્ચે ચાલતો સંઘર્ષ કોઈ નવી વાત નથી, ચીન દ્વારા કેટલીય વખત તાઇવાનની હવાઈ સીમાનો ભંગ કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ચીનના લડાકુ વિમાન તાઇવાન પર 12 વખત ઉડયા છે. હવે ફરી ચીનના નવ લડાકુ વિમાન તાઇવાન પર જોવા મળ્યા છે. તાઇવાને પણ વળતી કાર્યવાહી કરતા તેના વિમાન મોકલ્યા હતા અને તેને ચેતવણી પણ આપી હતી. ચીનના લડાકુ વિમાનોને તાઇવાનના અદિઝ વિસ્તારમાં જોવા મળ્યા છે. આ એવો પ્રદેશ છે જે કોઈ પણ દેશની હવાઈ સીમાના સૌથી આગળના ભાગે હોય છે. જ્યારે બીજા કોઇ દેશનું વિમાન આ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તેણે એર ટ્રાફિક કંટ્રોલરોને તેની ઓળખ આપવી પડે છે. ચીન દર વખતે આ ક્ષેત્રમાં અતિક્રમણ કરતું રહે છે. અત્યાર સુધી ચીન દ્વારા ૪૦ વખત લશ્કરી વિમાન મોકલાઈ ચૂક્યા છે. તેમા ૧૨ લડાકુ વિમાન છે અને ૧૭ સ્પોટર વિમાન છે. ચીનના અતિક્રમણનું મહત્વ એટલા માટે છે કેમ કે ચીને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તાઇવાન કંઇ યૂક્રેન નથી અને તાઇવાન હંમેશા ચીનનો મુખ્ય હિસ્સો રહ્યું છે. ચીનની આ ધમકી પછી તાઇવાન તેની સુરક્ષા વધારે મજબૂત બનાવી છે.