કિવઃ રશિયા અને યૂક્રેન વચ્ચેના વિનાશક યુદ્ધનો કોઇ અંત દેખાતો નથી. રશિયા અને યૂક્રેનનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે બેલારુસની બોર્ડર પર 3 કલાક ચાલેલી શાંતિમંત્રણા નિષ્ફળ ગઈ છે. બંને દેશોએ ફરી મંત્રણા યોજવા તૈયારી દર્શાવી છે.
શાંતિમંત્રણામાં યૂક્રેને રશિયા સમક્ષ તેનાં દળો પાછા ખેંચી લેવાની અને યુદ્ધવિરામ જાહેાર કરવાની માગણી કરી હતી. આ મહત્ત્વની વાતચીતમાં બંને દેશો યુદ્ધ બંધ કરવા સંમત થશે તેવી આશા સેવાઈ રહી હતી. જોકે યૂક્રેનના પ્રમુખ ઝેલન્સ્કીએ મંત્રણા સફળ થશે કે કેમ તે અંગે શંકા દર્શાવી હતી. આમ છતાં શાંતિના પ્રયાસો કરવા તૈયાર થયા હતા.
બીજી તરફ બેલારુસે રશિયાની મદદમાં તેના સૈનિકોને યૂક્રેન મોકલવા તો લેટવિયાએ યૂક્રેનને ટેકો જાહેર કરીને તમામ મદદ માટે તૈયારી દર્શાવી છે. ભારત માનવતાનાં ધોરણે યૂક્રેનમાં અનાજ, દવા તેમજ સહાય મોકલશે. વડા પ્રધાન મોદીએ સોમવારે મોડી રાત્રે ફરી ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજીને સ્થિતિની સમીક્ષા કરી છે. ભારત દ્વારા ત્યાં ફસાયેલા 8000 લોકોને પાછા લાવવામાં આવ્યા છે. અમેરિકાએ બેલારુસમાં દૂતાવાસ બંધ કર્યું છે. રશિયાથી તમામ અમેરિકનોને વહેલી તકે દેશ છોડવા તાકીદ કરાઈ છે.
રશિયા અને યૂક્રેનને કેટલું નુકસાન?
યૂક્રેને રશિયાના 5300થી વધુ સૈનિકો મારી નાંખ્યાનો દાવો કર્યો છે. રશિયાનાં 29 યુદ્ધ વિમાનો અને 29 હેલિકોપ્ટર્સ તોડી પાડ્યાં છે. 191 ટેન્ક, 74 તોપ, 816 બખ્તરિયા વાહનો, 1 સેમબુક, 2 જહાજો 5 એરડિફેન્સિ સિસ્ટમ તોડી પાડી છે. યૂક્રેનના 1114 સૈન્ય મથકોનો નાશ કરાયો છે. 352 નાગરિકો, 16 બાળકોનાં મોત થયાં છે અને 1684ને ઈજા થઈ છે. એટીએમમાં પૈસા ખૂટી ગયા છે. અનાજ અને રેશનિંગની તીવ્ર અછત સર્જાઈ છે. ઠેરઠેર અરાજકતા અને ભયનો માહોલ છે. રશિયાએ યૂક્રેનના અણુ કચરા પર મિસાઈલ છોડી છે પરિણામે કિવમાં રેડિએશનનો ખતરો સર્જાયો છે.
પુતિનનો અણુયુદ્ધની તૈયારીનો આદેશ઼
યૂક્રેન અને કિવના ચપડી વગાડતા પતનની આશા અધૂરી રહેતા પુતિન રઘવાયા થયા છે. તેમણે રશિયાનાં એટમિક ડિટરન્સ યુનિટને અણુ યુદ્ધની તૈયારીનો આદેશ આપ્યો છે. અણશસ્ત્ર યુનિટે આ માટેો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. રસિયાના સંરક્ષણપ્રધાને ક્યાં ક્યા અને કેવી રીતે અણુબોમ્બ ફેંકી શકાય તેની બ્લ્યૂ પ્રિન્ટ પુતિન સમક્ષ રજૂ કરી છે. રશિયા બેલારુસમાં અણુશસ્ત્રો તહેનાત કરી શકે છે.