નવી દિલ્હીઃ અમેરિકા માત્ર ભારત સાથે સંરક્ષણ સંબંધોથી ‘હતાશ’ નથી, પરંતુ તે તેને વધુ આકરી સજા આપવાની વેતરણમાં હોય તેમ લાગે છે. તે ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરી થ્રૂ સેંકશન્સ એક્ટ’ (કાટ્સા) કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધોની પણ યોજના બનાવી રહ્યું છે અમેરિકાના એક ટોચના અધિકારીએ તાજેતરમાં આ માહિતી આપી હતી. પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે અધિકારીએ ઉમેર્યું કે તૂર્કી જ નહીં, ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર આકરી દેખરેખ રાખી રહ્યાં છે. રશિયા પાસેથી એસ-૪૦૦ સિસ્ટમની ખરીદી અને તેની સાથે વધુ ડીલ કરવાનું ભારત માટે ચિંતાનું એક કારણ બની ગયું છે. અમેરિકા હવે કાટસા કાયદા હેઠળ ભારતને પ્રતિબંધિત કરવા માગે છે.
જોકે અધિકારીએ કહ્યું કે પ્રતિબંધોને તત્કાળ અમલી નહિ બનાવાય કેમ કે રશિયાને ભારતને એસ-૪૦૦ ટ્રિમ્ફ વાયુ સંરક્ષણ મિસાઇલ પદ્ધતિ આપવામાં થોડાક સમય લાગશે. અમેરિકા ભારત માટે ‘અત્યંત નિરાશ અને દુઃખી’ છે કેમ કે છેલ્લાં અનેક વર્ષોમાં સંરક્ષણ સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. અધિકારીએ ઉમેર્યું કે અમેરિકા ખાસ કરીને આ મામલે અડ્યું છે કે ભારત સાથે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પણ મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરાયો નથી. એની સામે રશિયા સાથે અનેક મોટાપાયાની ડીલ માટે વાતચીત જારી છે. જો ભારત અમેરિકાના સ્ટીલ્થ લડાકુ વિમાનોનો ઓર્ડર આપે તો જ ભારત આ પ્રતિબંધોમાંથી બચી શકે તેમ છે.