વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાનો આંકડો વકરતો જ જાય છે. ૧૪મી જુલાઈના અહેવાલો પ્રમાણે કોરોના કેસની વૈશ્વિક સંખ્યા ૧૧૮૩૭૨૪૫, મતકાંક ૫૪૩૩૮૦ અને આ મહામારીમાંથી સાજા થયેલાનો આંક ૬૭૯૯૬૭૭ નોંધાયો હતો. કોરોના સંકટ વચ્ચે અમેરિકાએ WHO સાથે છેડો ફાડવા રાષ્ટ્રસંઘને દસ્તાવેજો સોંપી દીધાં છે. વિશ્વ આરોગ્ય સંગઠનથી અલગ થવાના નિયમ પ્રમાણે એક વર્ષ પહેલાં આ સંસ્થાથી અલગ થવા જાણ કરવાની હોય છે.
આ નિયમ હેઠળ અમેરિકાએ ૬ જુલાઈ ૨૦૨૧ પહેલાં વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી નીકળી જઈ શકશે નહીં. જોકે એ એક વર્ષમાં નિર્ણય બદલી પણ શકાય છે. કોરોનાના ફેલાવા અંગે અમેરિકા અને WHO વચ્ચે વિવાદ થયો હતો. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં ૩૦૫૭૦૧૧ જેટલા સંક્રમિતો હોવાના અહેવાલ ૧૪મીએ હતા. અહીં કોરોનાથી મોતની સંખ્યા ૧૩૩૩૦૨ અને રિકવરી ૧૩૨૬૭૭૦ નોંધાઈ છે. અમેરિકાનું માનવું છે કે કોરોના ફેલાવા માટે ચીન જવાબદાર છે જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે કોરોનાના સંક્રમણ મામલે ચીને જવાબદારીપૂર્વક પોતાની ભૂમિકા ભજવી છે. ચીને આ મામલે જણાવ્યું છે કે, તે કોરોના વાઈરસનું મૂળ જન્મસ્થાન શોધીને તેનાં ફેલાવાની શરૂઆત ક્યાંથી થઈ તેની તપાસ કરાવવા તૈયાર થયું છે. આ માટે WHOની ટુકડીને ચીનમાં પ્રવેશ આપવા તેણે તૈયારી દર્શાવી છે.
ચીને WHOમાંથી ખસી જવાનાં અમેરિકાનાં પગલાંની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પ સરકાર કોરોના સામે લડવાનાં વિશ્વનાં પ્રયાસોને નજરઅંદાજ કરી રહી છે.
કોરોના વાઇરસ ફેલાવવા માટે યુએસ સહિત વિશ્વના મોટાભગના દેશો ચીન પર આરોપો લગાવે ત્યારે હોંગકોંગની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં વાઈરોલોજી અને ઇમ્યુનોલોજીની સ્પેશિયાલિસ્ટ લી મેંગ યાંગે પણ આક્ષેપ કર્યો છે કે ચીનને કોરોના વાઇરસ માનવીથી માનવીમાં ફેલાય છે તેની અગાઉથી જાણ હતી, પણ તેને નજરઅંદાજ કરાઈ હતી. લી સાઇબર એટેકથી બચવા હાલ અજ્ઞાત સ્થળે છે.
ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરનાર રશિયા પ્રથમ
ચીન – અમેરિકા વચ્ચે કોરોનાના ફેલાવા મામલે ઘર્ષણ ચાલે છે ત્યારે રશિયાએ કોરોનાની રસીનું સફળ પરીક્ષણ કર્યાંના અહેવાલ છે. કોરોના રસીની તમામ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરનાર રશિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે. રશિયાની ઈન્સ્ટિટયૂટ ફોર મેડિસન એન્ડ બાયોટેકનોલોજી વિભાગના ડિરેક્ટર વાદિમ તરાસોવે કહ્યું કે, સેચેનોવ ફર્સ્ટ મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં વોલેન્ટિયર્સ પર આ રસીનું પરીક્ષણ કરાયું હતું.
પહેલાં જૂથમાં રહેલા વોલેન્ટિયર્સને ૧૫ જુલાઈએ તો બીજા જૂથમાં રહેલા વોલેન્ટિયર્સને ૨૦ જુલાઈએ રજા અપાશે. યુનિવર્સિટીએ ૧૮ જૂને ગેમાલેઈ ઈન્સ્ટિટ્યૂટે બનાવેલી રસીનું પરીક્ષણ શરૂ કર્યું હતું.
ઈન્સ્ટિ. ઓફ મેડિકલ પેરાસિટોલોજીના ડિરેક્ટર એલેક્ઝાંડર લુકાશેવે કહ્યું કે, રસીની સલામતીની પુષ્ટિ કરી દેવાઈ છે. રસીના તમામ પાસાઓની તપાસ પૂરી કરાઈ છે અને ટૂંક સમયમાં તેને બજારમાં મુકાશે.
શ્રીલંકામાં ચૂંટણી સભાઓ રદ
કોરોનાના કારણે શ્રીલંકામાં પાંચમી ઓગસ્ટે યોજાનારી સંસદીય ચૂંટણીના પ્રચાર માટે પ્રમુખ ગોટાબાયા અને વડા પ્રધાન મહિન્દા રાજપાકસા દ્વારા યોજાનારી ચૂંટણીસભાને રદ કરાઈ છે. ૧૨, ૧૩ અને ૧૪ જુલાઇએ યોજાનારી ચૂંટણીસભાઓને રદ કરવાની શ્રીલંકા પીપલ્સ પાર્ટી દ્વારા જાહેરાત કરાઈ હતી.
શ્રીલંકાના પ્રમુખે નિયત મુદતના છ મહિના પહેલાં બીજી માર્ચે સંસદનું વિસર્જન કરી ૨૫ એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જોકે ચૂંટણી પંચે કોરોના મહામારી ફાટી નીકળતા એપ્રિલમાં યોજાનારી ચૂંટણીને મુલત્વી રાખી બાદમાં પાંચ ઓગસ્ટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.