વોશિંગ્ટન-મોસ્કોઃ વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વમાં સૌપ્રથમ રશિયાએ કોરોનાની રસી વિકસાવ્યાનો દાવો કર્યાં પછી રસી રજિસ્ટર્ડ કરાવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું કે, અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી છે અને તેને રજિસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી.
આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીનું અપ્રૂવલ મળી ગયું છે. રશિયાની વેક્સિન Gam-Covid-Vac Lyoને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. સપ્ટેમ્બરમાં આ રસીનું ઉત્પાદન કરીને ઓક્ટોબર સુધી લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ થઇ છે. પુતિને સ્વાસ્થ્ય પ્રધાન મિખાઇલ મુરાશકોને આ મામલે વિસ્તૃત જાણકારી આપવા માટે કહ્યું હતું. મુરાશકોએ કહ્યું હતું કે, મને જાણકારી અપાઈ છે કે આપણી વેક્સિન સારા પ્રભાવ સાથે કામ કરે છે અને સારી ઇમ્યુનિટી પેદા કરે છે. તેના માટે જરૂરી બધા ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ રસીનો પ્રયોગ થયો તે વોલન્ટિયર્સમાં કોઇ નેગેટિવ સાઇડ ઇફેક્ટ દેખાયા નથી. દરમિયાન અમેરિકા અને બ્રિટન રસી વિશે શંકા કરી રહ્યાં છે. ૧૧મી ઓગસ્ટના અહેવાલો પ્રમાણે ૫૨૬૫૬૮૩ સંક્રમિત, મૃતકાંક ૧૬૬૭૫૯ અને રિકવર થયેલાની સંખ્યા ૨૭૧૯૩૯૧ પર પહોંચી છે. આ બધા વચ્ચે ટાઈમ મેગેઝિને તેના લેટેસ્ટ કવરમાં ટ્રમ્પને કોરોનાના પૂરમાં તણાઈને વ્હાઈટ હાઉસ તરફ આગળ વધતાં દર્શાવ્યા છે. ‘ધ પ્લેગ ઈલેક્શન’ ટાઈટલ ધરાવતા આ કવર દ્વારા ટાઈમ મેગેઝિન એવો સંકેત આપી રહ્યું છે કે ટ્રમ્પ અત્યાર ડૂબવાની હાલતમાં અને અત્યારે કદાચ તરશે તો ચૂંટણીમાં ડૂબશે!આ અંગેનો ટૂંકો એનિમેટેડ વીડિયો પણ ટાઈમ મેગેઝિને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો હતો. નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણી આવે છે. બીજી તરફ દુનિયામાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ અમેરિકા છે. અમેરિકામાં કોરોના બેકાબૂ બનવા પાછળ ટ્રમ્પ જવાબદાર છે કે કેમ એ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોરાના કાબૂમાં આવી જશે એવો ટ્રમ્પને આત્મવિશ્વાસ અથવા તો તેઓ મૂર્ખામી કરી રહ્યા છે. એવું આ કવરપેજ દર્શાવી રહ્યું હોય તેવું લાગે છે.
ઓસ્ટ્રેલિયામાં વિકટોરિયા રાજ્યમાં કોરોનાને કારણે ૧૦મીએ ૧૯ જણાનાં મોત નોંધાતા હાહાકાર મચ્યો હતો. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯ હજારને પાર થઈ છે અને કુલ મરણાંક ૩૦૦ને વટાવી ગયો છે. માત્ર નવ દિવસમાં જ મરણાંક ૨૦૦ પરથી ૩૦૦ પર પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં કોરોનાના પ૪૦થી વધુ કેસ નોંધાવા સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨.૮૫ થઇ છે અને કુલ મરણાંક પણ વધીને ૬ હજારને પાર થયો છે. સિંધમાં સૌથી વધારે સવા લાખ સુધી કોરોનાના કેસ નોંધાયા છે.
કોરોના મહામારીને પગલે લદાયેલાં લોકડાઉનમાં ચાર મહિના સુધી શાળાઓ બંધ રાખ્યા બાદ સોમવારથી શ્રીલંકામાં શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. જુલાઇમાં થોડા સમય માટે શાળાઓ ખોલવામાં આવી હતી પણ કોરોના ફાટી નીકળવાના ભયે બંધ કરાઈ હતી. શિક્ષણ પ્રધાન ચિત્રાનંદાએ જણાવ્યું હતું કે ૨૦૦ કરતાં ઓછાં વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ એક મીટરનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા સાથે ફરી શરૂ કરાઈ છે. જો કે, ૨૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને સોશ્યલ ડિસ્ટન્સની જરૂરિયાત અનુસાર ક્યા ધોરણને ક્યા દિવસે ભણાવવું તે નક્કી કરવામાં આવશે. શાળાઓ ભલે ખોલવામાં આવી પણ શાળાની કેન્ટિનો ખોલવામાં આવી નથી. શ્રીલંકામાં ૩૦ એપ્રિલ બાદ કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.