સેંટ પીટર્સબર્ગઃ રશિયાનાં સેંટ પીટર્સબર્ગના મેટ્રો સ્ટેશનમાં સોમવારે એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મોત થયા હતાં જ્યારે ૫૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. પ્રાથમિક અહેવાલો પ્રમાણે સેનાયા સ્ક્વેર અને સાડાવોયા તરફ જતી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ પહેલાં બે બ્લાસ્ટ થયાના સમાચાર વહેતા થયા હતા, પણ અધિકારીઓએ તેને પુષ્ટી આપી નથી. માત્ર ટ્રેનમાં જ બ્લાસ્ટ થયાની વાતને સમર્થન આપ્યું છે.
ટ્રેનમાં બ્લાસ્ટ થતાં જ અન્ય ૧૦ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયાં હતાં. રશિયન સુરક્ષાકર્મીઓનાં કહેવા મુજબ બ્લાસ્ટ કરવા માટે જે ડિવાઈસનો ઉપયોગ કરાયો હતો તેમાં ધારદાર વસ્તુઓનો વધારે ઉપયોગ થયો હોવાથી લોકોને વધુ ઈજા પહોંચી છે. આ બ્લાસ્ટ પછી એર પોર્ટ ઉપર પણ સુરક્ષા બમણી કરી દેવાઈ હતી.
પુતિને ઘટનાને વખોડી શોક વ્યક્ત કર્યો
બ્લાસ્ટ થયો ત્યારે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન પીટર્સબર્ગ જ હતા. તેઓ બેલારુસના પ્રમુખ સાથે મુલાકાત કરી રહ્યા હતા. પુતિને ઘટના બાદ તુરંત જ મીડિયા સાથેની વાતચીતમાં ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરીને જણાવ્યું કે, આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આ આતંકવાદી ઘટનાને સહેજ પણ સાંખી નહીં લેવાય. દોષિતોને શક્ય એટલા ઝડપથી પકડી પાડવામાં આવશે.
ઘટના અંગે કોઈ જ માહિતી નહીં
રશિયન પોલીસના જણાવ્યા પ્રમાણે આ આતંકવાદી હુમલો હતો, પણ કયા આતંકવાદી જૂથે કયા કારણોસર આ બ્લાસ્ટ કરાવ્યો છે તે અંગે હજી પ્રશ્નાર્થ જ છે. જોકે પોલીસે એવું પણ જણાવ્યું છે કે, શહેરમાં જ કોઈ જૂથ દ્વારા ગુનાખોરીના આશયથી આ હુમલો કરાયો હોય તેવું બની શકે છે.
એક વ્યક્તિએ ટ્રેન પર બેગ ફેંકી ને બ્લાસ્ટ થયો
ઘટનાને નજરે જોનારાં લોકોએ જણાવ્યું કે, આ આતંકવાદી હુમલો જ હતો. એક વ્યક્તિ દ્વારા ટ્રેન ઉપર બેગ ફેંકાઈ હતી, તેણે બેગ ફેંકી અને તરત જ બ્લાસ્ટ થયો હતો. આ સાથે જ ટ્રેનમાં બેઠેલાં લોકોનાં ચીંથરાં ઊડી ગયાં હતાં અને અનેક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, હું એસ્કેલેટર દ્વારા નીચે જતો હતો ત્યાં જ મોટો બ્લાસ્ટ થયો. મને ધડાકો સંભળાયો અને ટ્રેનની આસપાસ નાસભાગ મચવા લાગી. અનેક લોકો લોહીથી ખરડાયેલાં અને ઈજા પામેલાં આમતેમ પડયાં હતાં.
રશિયામાં અગાઉના આતંકી હુમલા
રશિયામાં આતંકી હુમલા નવા નથી. વર્ષ ૨૦૦૪માં ચેચન્યા આતંકવાદીઓ દ્વારા એક સ્કૂલમાં બાળકોને બંધક બનાવી દેવાયાં હતાં. આ હુમલામાં ૩૩૦ લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત મોસ્કોમાં ૨૦૧૦માં બે મેટ્રોસ્ટેશન ઉપર આત્મઘાતી હુમલો કરાયો હતો. આ હુમલામાં ૩૮નાં મોત થયાં હતાં જ્યારે ૧૦૦થી વધુને ઈજા થઈ હતી. ૨૦૧૩માં વોલ્ગોગ્રાદમાં રેલવે સ્ટેશનને જ ટાર્ગેટ કરી હુમલો કરાયો હતો, જેમાં ૧૭નાં મોત થયાં હતાં.