લંડનઃ ઈરાકમાં એક બાળકનો જન્મ ત્રણ શિશ્ન (Triphallia) સાથે થયો છે, જે અત્યાર સુધીમાં વિશ્વનો સૌપ્રથમ કેસ હોવાનું કહેવાય છે. દુહોકના આ બાળકના વધારાના બે શિશ્ન દૂર કરવાં ગયા વર્ષે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેના જન્મ સમયે લિંગના નીચેના હિસ્સે અનુક્રમે બે સેમી અને એક સેમીના શિશ્ન હતાં. અંદાજે ૫૦થી ૬૦ લાખ બાળકોમાંથી એકને વધુ શિશ્નની સમસ્યા જોવા મળે છે.
ડોક્ટર્સના કહેવા અનુસાર ઈરાકની ઉત્તરે મોસૂલ શહેર નજીકના દુહોકમાં ગયા વર્ષે જન્મેલો કુર્દ જાતિનો બાળક ત્રણ શિશ્નની અસાધારણ કે વિચિત્ર ખામી ધરાવતો હતો. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરી કેસ રિપોર્ટ્સ અનુસાર ત્રણ શિશ્ન સાથેની અવસ્થા Triphallia - ટ્રિફેલિઆ તરીકે ઓળખાવાઈ છે અને આને માનવજગતનો સૌપ્રથમ કિસ્સો ગણાવાયો છે કારણ કે અત્યાર સુધી કોઈ મેડિકલ સાહિત્યમાં તેની નોંધ જોવા મળી નથી. ભારતમાં પણ ૨૦૧૫માં આવો કેસ ચર્ચાસ્પદ જરૂર બન્યો હતો પરંતુ, કોઈ મેડિકલ જર્નલમાં તે કેસ પ્રસિદ્ધ કરાયો ન હોવાથી નિષ્ણાતો તેની ચોકસાઈ કરી શક્યા ન હતા.
કુર્દ બાળક ત્રણ મહિનાનો હતો ત્યારે વૃષણકોથળીમાં સોજાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યાં તપાસ દરમિયાન તેને વધારાના બે શિશ્ન હોવાનું જણાયું હતું. માતાએ સગર્ભાવસ્થામાં કોઈ અજાણી દવાઓ લીધી હોય કે પરિવારમાં આનુવાંશિક ખામીઓનો ઈતિહાસ હોય તેની પૂછપરછ પણ કરાઈ હતી. જોકે, આવું કંઇ ન હોવાથી બાળકની વિકૃતિ રહસ્યમય બની હતી. વધારાના બન્ને શિશ્નમાં મૂત્રનલિકા ન હોવાથી ડોક્ટરોએ સર્જરીનો નિર્ણય લીધો હતો.
આ રિપોર્ટના આલેખક ડો. શાકિર સલીમ જાબાલીએ કહ્યું હતું કે ઓપરેશનના એક વર્ષ પછીના ફોલોઅપમાં કોઈ સમસ્યા જણાઈ નથી. જર્નલમાં ડો. જાબાલીએ જણાવ્યું હતું કે, ‘અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ ત્રણ શિશ્ન અથવા ટ્રિફેલિઆ સાથે નોંધાયેલો વિશ્વનો આ પ્રથમ કિસ્સો છે. માનવજાતના સાહિત્યમાં આ પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી.’
સૂપર ન્યૂમરરી શિશ્ન એટલે શું?
જ્યારે કોઈ બાળક બે શિશ્ન સાથે જન્મે તે ‘ડિફેલિયા’ (Diphallia) અસામાન્ય ખામી ગણાય છે. આનો સૌ પહેલો નોંધાયેલો કેસ ૧૭મી સદીમાં હતો. જોકે, ત્રણ શિશ્ન (ટ્રિફેલિઆ) સાથે જન્મેલું બાળક હજુ સુધી તબીબી સાહિત્યમાં નોંધાયું નથી. આવી ખામી સાથે બે અંડકોશ કે વૃષણ અથવા ગુદા જેવી અસામાન્ય હાલત પણ સંકળાયેલી હોઈ શકે છે. સંશોધકો અનુસાર અમેરિકામાં અંદાજે દર ૬૦ લાખ બાળકોમાંથી એક બાળક આવી સ્થિતિ સાથે જન્મે છે. મોટા ભાગના કિસ્સામાં શિશ્ન એકસરખા કદના અને નજીક જ હોય છે. કેટલાક કેસમાં નાનું શિશ્ન મુખ્ય શિશ્ન સાથે ઉપર જોડાયેલું હોય છે. રિપોર્ટ્સ અનુસાર બે શિશ્ન સાથેનો પુરુષ એક અથવા બંને શિશ્ન દ્વારા પેશાબ કરી શકે અથવા વીર્યોત્સર્ગ પણ કરી શકે છે.
ભારતમાં પણ આવો કિસ્સો બન્યો છે
ઉત્તર પ્રદેશમાં ૨૦૧૫માં બે શિશ્ન અને માંસના લોચા સાથે બાળક જન્મ્યાનો કિસ્સો નોંધાયો હતો. કેસમાં એક વિચિત્રતા એ હતી કે બાળકને ગુદામાર્ગ ન હતો. મુંબઈમાં ઓપરેશન કરી બાળકના અન્ય બે શિશ્નને મુખ્ય કાર્યરત શિશ્નમાં જોડી દેવાયા હતા અને ગુદામાર્ગ પણ તૈયાર કરાયો હતો. ગુદામાર્ગ માટે હોજરીમાં કાપો કરી ટ્યૂબ મારફતે મળવિસર્જન કરી શકાય તે માટે કોલોસ્ટોમી પ્રોસિજર કરાઇ હતી. જર્નલ ઓફ પીડિઆટ્રિક્સ અનુસાર ડિફેલિઆ અતિ દુર્લભ અવસ્થા છે અને દર ૫૦-૬૦ લાખ બાળજન્મોમાંથી એકને તેની અસર હોય છે. ૧૬૦૯ પછી ડિફેલિઆના માત્ર ૧૦૦ જેટલા કેસ મેડિકલ સાહિત્યમાં નોંધાયા છે.