નાઈરોબીઃ કેન્યાના પ્રમુખપદ માટે ૨૬ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિંગાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઓડિંગાએ આક્ષેપ લગાવ્યો છે કે ઈલેક્શન કમિશન અને વર્તમાન પ્રમુખ ઉહુરુ કેન્યાટા તેમને બીજી વખત પણ વિજેતા બનતા અટકાવશે. આના પરિણામે બંધારણીય કટોકટી સર્જાય તેમજ દેખાવકારો અને પોલીસ વચ્ચે નવેસરથી અથડામણોનો ભય વધી ગયો છે.
ઓડિંગાએ કહ્યું હતું કે ૨૬ ઓક્ટોબરની ચૂંટણી અગાઉ કરતા વધુ ખરાબ રહેવાના સંકેતો છે. તેમણે ઉમેદવારી પાછી ખેંચી હોવાથી કાયદા અનુસાર ચૂંટણી પંચે ૯૦ દિવસ માટે ચૂંટણી મોકુફ રાખવી પડે તેવો દાવો પણ ઓડિંગાએ કર્યો હતો. જોકે, બંધારણ એમ કહે છે કે સુપ્રીમ કોર્ટના ચૂંટણી વિશે ચુકાદાના ૬૦ દિવસમાં જ ફરી ચૂંટણી યોજાવી જોઈએ. આ સમયમર્યાદા ૧ નવેમ્બરે પૂર્ણ થાય છે.
બીજી તરફ, પ્રેસિડેન્ટ કેન્યાટાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક માત્ર ઉમેદવાર રહે તો પણ ચૂંટણી થવી જ જોઈએ. આના પરિણામે, શાસક પક્ષના સમર્થકોમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. કેન્યાટાની પાર્ટીએ તો પ્રમુખપદ માટે વિરોધી ઉમેદવાર નવી ચૂંટણીમાંથી ખસી જાય તો વર્તમાન પ્રમુખ હોદ્દાને જાળવી શકે તેવા ચૂંટણી સુધારા બિલને પાર્લામેન્ટમાં આગળ ધપાવ્યું છે, જેના પર સાંસદોએ ચર્ચા પણ આરંભી હતી.
ગત ૨૦ વર્ષમાં પ્રમુખપદની ચાર ચૂંટણી લડેલા ઓડિંગાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં થયેલા પ્રથમ મતદાનમાં ગેરરીતિઓનાં પગલે પ્રમુખ કેન્યાટાના વિજયને ફગાવી દીધા પછી ઈલેક્શન કમિશન વિપક્ષી ગઠબંધનની માગણી અનુસારના આવશ્યક સુધારાઓનો અમલ કરવામાં નિષ્ફળ ગયું છે. તેમણે સ્વતંત્ર ઈલેક્ટોરલ બાઉન્ડરીઝ કમિશન (IEBC) અને ચૂંટણી સામગ્રી પૂરી પાડતી કંપનીઓના સ્ટાફની ભરતીમાં ફેરફાર ન કરાય તો ચૂંટણીના બહિષ્કારની ધમકી આપી હતી. ઓડિંગાના નેશનલ સુપર એલાયન્સ ગઠબંધને સમર્થકોને ‘સુધારાઓ નહિ તો ચૂંટણી નહિ’ના સૂત્ર સાથે શેરીઓમાં દેખાવો કરવા હાકલ કરી હતી.
ઓડિંગાએ ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમની સામે ઉમેદવારી પાછી ખેંચવા સિવાય કોઈ પસંદગી રહી નથી. ચૂંટણીના મેદાનમાં સમાન તક ન હોય તો હારવા માટે ચૂંટણી લડવાનો કોઈ અર્થ રહેતો નથી. તેઓ હારવાના ભયથી હટી રહ્યા છે તેવા આક્ષેપોને ઓડિંગાએ ફગાવ્યા હતા.