કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરખાસ્ત કર્યા પછી સર્જાયેલા બંધારણીય અને રાજકીય સંકટ વચ્ચે દસમીએ દેશની સંસદને ભંગ કરીને સમય કરતા વહેલી પાંચમી જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ કર્યો હતો.
જોકે, સિરિસેનાના આ અણધાર્યા પગલાંનો શ્રીલંકાની સૌથી વધુ બેઠક ધરાવતી પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટીએ વિરોધ કરીને તેને કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો. યુએનપીના મંગલા સમરાવીરાએ કોલંબોમાં મીડિયાને જણાવ્યું હતું કે અમે આ પગલાંનો કોર્ટમાં સામનો કરશું, સંસદમાં સામનો કરશું અને ચૂંટણીના મેદાનમાં પણ સામનો કરશું.