વોશિંગ્ટનઃ આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તહવ્વુર રાણાને લઈને એનઆઈએની એક ટીમ ગુરુવારે સાંજે જ ભારત પહોંચી હતી. અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તહવ્વુર રાણાએ ડેવિડ હેડલીને ભારતના વિઝા અપાવવા અને મુંબઈમાં આતંકવાદી હુમલાના સ્થળોની રેકી કરવામાં મદદ કરી હતી. અમેરિકન ન્યાય વિભાગે જણાવ્યું હતું કે રાણા અને હેડલીની વાતચીતમાં રાણાએ કહ્યું હતું કે ભારતીયો આવા હુમલાને જ લાયક છે. એટલું જ નહીં તેણે મુંબઈમાં હુમલો કરનારા આતંકવાદીઓની પ્રશંસા પણ કરી હતી અને તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ સૈન્ય સન્માન નિશાન-એ-હૈદર અપાવવાની પણ માગ કરી હતી. અમેરિકાએ વધુમાં કહ્યું હતું કે અમેરિકાએ બુધવારે આતંકવાદી તહવ્વુર હુસૈન રાણા, જે પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે, તેને ભારત પ્રત્યાર્પિત કરી દીધો છે.