રાફેલ પર ફ્રેન્ચ મીડિયાનો સવાલઃ એચએએલને સ્થાને અંબાણીને કોન્ટ્રાક્ટ શા માટે?

Wednesday 05th September 2018 08:04 EDT
 
 

નવી દિલ્હીઃ ફ્રાન્સ સાથેના રાફેલ વિમાની સોદાનો વિવાદ એટલો વકરી રહ્યો છે કે હવે વિદેશમાંથી પણ આ મુદ્દે સવાલ ઊઠી રહ્યા છે. ફ્રેન્ચ મીડિયાનાં અગ્રણી અખબાર ફ્રાન્સ ૨૪એ આ વિવાદની સરખામણી બોફોર્સ કૌભાંડ સાથે કરતાં સવાલ કર્યો છે કે, યુપીએનાં શાસનમાં ૨૦૦૭થી શરૂ થયેલા સોદામાં એનડીએ સરકારે ૨૦૧૫માં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ખસેડી ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ડિફેન્સને સોદામાં કેવી રીતે સ્થાન આપ્યું? અખબારે લખ્યું છે કે, ૨૦૦૭માં ભારત સરકારે ૧૨૬ યુદ્ધવિમાનની ખરીદી માટે ટેન્ડર જારી કર્યું હતું. ૨૦૧૨માં યુપીએ સરકારે રાફેલનું ઉત્પાદન કરતી દસોલ્ટ કંપની સાથે કરાર કર્યો હતો. જેમાં નક્કી કરાયું હતું કે, દસોલ્ટ ૧૮ વિમાનનું ઉત્પાદન કરી ભારતને સોંપશે. બાકીનાં ૧૧૮ વિમાન અંગે દસોલ્ટ અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે મળીને નિર્ણય લેશે. ભારતનું માનવું હતું કે, આ સોદાથી એચએએલની આધુનિક ઉત્પાદનક્ષમતામાં વધારો થશે અને તે યુદ્ધવિમાનનાં નિર્માણમાં સક્ષમ બનશે, પરંતુ કિંમતના મુદ્દે આ સોદો ૩ વર્ષ સુધી લટકી રહ્યો હતો.
૨૦૧૪માં ભારતમાં એનડીએ સરકાર આવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. પેરિસમાં રાફેલ સોદાની જાહેરાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ફ્રાન્સ ૩૬ રાફેલ વિમાનનું ઉત્પાદન કરી ભારતને સોંપશે. અખબારે જણાવ્યું છે કે, સોદામાં થયેલો એક બદલાવ બધાને ચોંકાવી દેનારો હતો. ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે એચએએલને ૭૮ વર્ષનો અનુભવ છે અને તેની તરફેણમાં જ નિર્ણય થવો જોઈતો હતો, પરંતુ દસોલ્ટે એચએએલ સાથેનો કરાર તોડી અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કરી લીધો હતો.

ફિલ્મનિર્માણનો કરાર

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદે ૨૦૧૬ના ગણતંત્ર દિવસના સમારોહમાં ભાગ લેવા આવ્યા તેના બે દિવસ પહેલાં જ અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ અને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિની પાર્ટનર જૂલી ગેયેટ વચ્ચે ફિલ્મનિર્માણનો કરાર થયો હતો. સૂચક વાત એ છે કે, ઓલાંદેની આ ભારતની મુલાકાત દરમિયાન જ ઓલાંદેએ મોદી સાથે ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ વિમાન ખરીદવાના એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં હતાં. એમઓયુ પર હસ્તાક્ષર થયાના ૮ સપ્તાહમાં દસોલ્ટ એવિએશનના ચેરમેન એરિક ટ્રેપિયરે અનિલ અંબાણીની કંપની સાથે મળીને નાગપુરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ફ્રાન્સના તત્કાલીન સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે અને ભારતના માર્ગપરિવહન પ્રધાન નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
આ અંગે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે રાફેલ યુદ્ધવિમાન મોટા બંકરભેદી બોંબ ઝીંકવાનું છે. રાફેલ મુદ્દે મોદી પર પ્રહાર કરતાં રાહુલે જણાવ્યું હતું કે, આ એક વિશ્વવ્યાપી ભ્રષ્ટાચાર છે. રાફેલ વિમાન હકીકતમાં તો લાંબા અંતર સુધી અત્યંત ઝડપથી ઊડે છે. આગામી કેટલાક સમયમાં રાફેલ વિમાન કેટલાક મોટા બંકરભેદી બોંબ ઝીંકશે. મોદીએ અનિલ અંબાણીને ફ્રાન્સના આ સોદામાં મોટી સમસ્યા પ્રવર્તમાન હોવાનું જણાવી દેવું જોઈએ.
બીજી તરફ નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૯મી ઓગસ્ટે જણાવ્યું હતું કે એનડીએ સરકાર વર્ષ ૨૦૦૭માં યુપીએ સરકારે કરેલી વાટાઘાટોને મુકાબલે ૨૦ ટકા સસ્તા દરે રાફેલ જેટ હાંસલ કરી રહી છે. વિરોધપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યો છે અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રીય સુરક્ષાને ભયમાં મૂકી રહ્યા છે. રાહુલ ગાંધી અલગ અલગ કિંમત કહીને સાત વાર જુઠ્ઠું બોલી ચૂક્યા છે.

કોંગ્રેસના વળતા પ્રહાર

કોંગ્રેસી નેતા આનંદ શર્માએ એ પછી ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ૩૦ હજાર કરોડનો ઓફસેટ છે. એચએએલ પાસેથી કરાર છીનવીને રિલાયન્સને કરાર આપવામાં આવ્યો. શું આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી નથી? તેમણે કહ્યું કે યુપીએ સમયમાં રાફેલ સોદા સંબંધમાં યોગ્ય રીતે વાટાઘાટો થઈ રહી હતી. રાફેલ સોદાના અભ્યાસ માટે રચાયેલા પેટાજૂથનું નેતૃત્વ કરી ચૂકેલા કોંગ્રેસ પ્રવક્તા એસ. જયપાલ રેડ્ડીએ જણાવ્યું હતું કે રાફેલ સોદો તે વડા પ્રધાન અને નિષ્ફળ પુરવાર થયેલા ઉદ્યોગપતિઓ વચ્ચેનો સીધો સોદો હતો. એ ઉદ્યોગપતિઓની વિશેષતા એ છે કે તેઓ ઉદ્યોગપતિ તરીકે નિષ્ફળ રહેલા છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે, રાફેલ અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. મોદી સરકાર આ મામલાને જેપીસીને સોંપવા ધરાર તૈયાર નથી, જો આ મામલામાં સુપ્રીમ કોર્ટ સુઓમોટો નોંધ લે તો સારી વાત છે. ૨૦૧૯માં કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે ત્યારે રાફેલ સોદાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ પંચની રચના કરાશે. કોંગ્રેસ આ સોદાની તપાસ કરી જવાબદારી નિભાવશે.

ફ્રેન્ચ મીડિયાએ ઉઠાવેલા સવાલ

• અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ પાસે સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનનો કોઈ અનુભવ નથી.
• અનિલ અંબાણીની રિલાયન્સ ટેલિકોમ હજારો-કરોડ રૂપિયાનાં દેવામાં દટાયેલી છે.
• અનુભવી એચએએલનાં સ્થાને ૧૫ દિવસ પહેલાં સ્થપાયેલી રિલાયન્સને કોન્ટ્રાક્ટ?
• વડા પ્રધાન મોદીના ફ્રાન્સપ્રવાસના ૧૩ દિવસ પહેલાં જ રિલાયન્સ ડિફેન્સની રચના.
• ફ્રાન્સપ્રવાસમાં અનિલ અંબાણી પણ સામેલ.
• કોંગ્રેસ દ્વારા સવાલ કે મોદી સરકાર રાફેલની તપાસ જેપીસીને સોંપવા કેમ તૈયાર નથી?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter