નવી દિલ્હીઃ રાફેલ સોદા મુદ્દે થોડા સમય પહેલાં ફ્રેન્ચ જર્નલ મીડિયાપાર્ટ દ્વારા ૧.૧ મિલિયન યૂરોનું કમિશન ચૂકવાયાના અહેવાલો બાદ વધુ એક ઘટસ્ફોટ કરાયો છે. તાજેતરમાં આ ઓનલાઈન જર્નલે જણાવ્યું હતું કે, દા સો એવિયેશન દ્વારા રાફેલ મુદ્દે મિડલમેન સુશેન ગુપ્તાને લાખો ડોલરનું સિક્રેટ કમિશન અપાયું હતું. તેને વિદેશી ખાતાઓ, બનાવટી કંપનીઓ, સોફ્ટવેર કન્સલ્ટિંગના નામે વિવિધ વાઉચર્સ અને ઈનવોઈસ બનાવીને પેમેન્ટ થયું હતું. બીજી તરફ સુશેન ગુપ્તાએ જણાવ્યું કે, તેની સામે જે આરોપો મૂકવામાં આવ્યા છે જે અયોગ્ય છે અને તથ્યહિન છે. તેણે જણાવ્યું કે, કોઈ પણ સરકાર સાથે અમારા ડિફેન્સમાં કોઈ વ્યવહાર થયા નથી.
ગુપ્તાની ઈન્ટરડેવને ચૂકવણી
જર્નલના અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં જે પેમેન્ટ કરવામાં આવ્યું હતું તે બધું જ ૨૦૧૩ સુધીમાં કરવામાં આવ્યું હતું. આ કંપની સાથેના ખાતાકીય વ્યવહારો તપાસમાં આવ્યા તો તે કંપની સુશેન ગુપ્તાની હતી. તેનો ઉલ્લેખ માત્ર ‘ડી’ તરીકે કરવામાં આવ્યો હતો. દા સો દ્વારા તેને ૧૪.૬ મિલિયન યૂરો આપવામાં આવ્યા હતા. સિંગાપુરની ઈન્ટરડેવ કંપનીને આ રકમ ૨૦૦૪થી ૨૦૧૩ સુધીમાં ચૂકવાઇ હતી. ઈન્ટરડેવ શેલ કંપની છે અને તેનું સંચાલન સુશેનના પરિવાર કરે છે. માત્ર નાણાકીય વ્યવહારો માટે ઓનપેપર આ કંપની ચલાવાતી હોવાનું મનાય છે.
સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
ફ્રાન્સમાં થયેલી ફાઇટર જેટની ડિલ ફરી એક વાર વિવાદોમાં છે. સોદામાં ભ્રષ્ટાચાર વિશે ફ્રાન્સની વેબસાઇટ મીડિયાપાર્ટના ખુલાસા પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની નવી અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ એમ. એલ. શર્માએ નવી અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટથી સ્વતંત્ર તપાસની માંગ કરી છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે કહ્યું કે, કોર્ટ આ મામલે તાત્કાલીન સુનાવણી કરશે. જોકે તેમણે આ વિશે કોઇ તારીખનો ઉલ્લેખ કર્યો નથી.