નવી દિલ્હીઃ રામચરિત માનસની સચિત્ર પાંડુલિપીઓ અને પંચતંત્રની દંતકથાઓનો 15મી સદીની પાંડુલિપીનો યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’ની 2024ની આવૃત્તિમાં સામેલ કરાયેલી 20 વસ્તુઓમાં રામચરિતમાનસ અને પંચતંત્રને સ્થાન મળ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, એશિયા પેસિફિક બાબતોની વિશ્વ સ્મૃતિ સમિતીની 10મી સામાન્ય બેઠકમાં રામચરિત માનસ અને પંચતંત્ર અંગેનો નિર્ણય લેવાયો હતો. બેઠક 7 અને 8 મેના રોજ મંગોલિયાની રાજધાની ઉલનબટોરમાં મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તુલસીદાસના રામચરિત માનસની સચિત્ર પાંડુલિપીઓ, સહૃદયાલોક-લોકનની પાંડુલિપી: ભારતીય કાવ્યશાસ્ત્રનો એક મૌલિક પાઠ તેમજ પંચતંત્રની દંતકથાઓની 15મી સદીની પાંડુલિપીને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
યુનેસ્કોએ જણાવ્યું હતું કે, ‘દસમી સામાન્ય બેઠકનું આયોજન મંગોલિયાના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો માટેના મંગોલિયન નેશનલ કમિશન અને બેંગકોક સ્થિત યુનેસ્કોના પ્રાદેશિક કાર્યાલય દ્વારા કરાયું હતું.’ તેમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરે હ્યુમન રિસર્ચ, ઇનોવેશન અને કલ્પનાશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (આઇજીએનસીએ)ના કલાનિધી વિભાગના વડા રમેશચંદ્ર ગૌડ બેઠકમાં હાજર રહ્યા હતા. આઇજીએનસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતની આ ત્રણ ધરોહરનો સમાવેશ દેશ માટે ગૌરવની ક્ષણ છે. તે દેશના સમૃદ્ધ સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પુષ્ટિ આપે છે.’