નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને પદ્મવિભુષણ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શ્રીતુલસી પીઠાધિશ્વર જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે રામમંદિર પછી હવે પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અંગે ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો કે ૨૦૨૪ પહેલા પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનો અભિન્ન ભાગ હશે.
જગદ્ગુરુ રામભદ્રાચાર્ય મહારાજની આ ભવિષ્યવાણીથી દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ ચિત્રકૂટમાં એશિયાની પ્રથમ દિવ્યાંગ યુનિવર્સિટી જેઆરએચયુની સ્થાપના કરીને દેશના લાખો દિવ્યાંગોને શિક્ષિત કરીને સન્માન સાથે જીવવાની તક પૂરી પાડી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા નવરત્નોમાં સામેલ રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે તેઓ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને પાછું લઈને ભારતનું અભિન્ન અંગ બનાવી ન દે ત્યાં સુધી આરામ નહીં કરે.
તેમણે દાવો કર્યો હતો કે, જે રીતે તેમણે રામમંદિર નિર્માણ અંગે ભવિષ્યવાણી કરી હતી તે રીતે તેઓ હવે ભવિષ્યવાણી કરી રહ્યા છે કે ૨૦૨૪ સુધીમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવીને ભારતનો અભિન્ન ભાગ બનાવી લેવાશે. જગદ્ગુરુએ ભારપૂર્વક દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકાર આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી અને નક્કર વ્યૂહરચનાથી આગળ વધી
રહી છે.
ઉલ્લેખનીય છે કે જગદગુરુ રામભદ્રાચાર્યે અગાઉ રામમંદિર નિર્માણ અંગે ભવિષ્યવાણી કરી હતી કે ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૦ પહેલાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ થશે. તેમની આ આગાહી સાચી સાબિત થઈ હતી.