મોસ્કોઃ રશિયાની સત્તા આગામી છ વર્ષ માટે વ્લાદિમીર પુટિનના હાથમાં જ રહેશે. રશિયાના કેન્દ્રીય ચૂંટણીપંચ મુજબ કુલ ૧૦.૭ કરોડ મતદારોમાંથી ૬૭.૭ ટકા લોકોએ મત નાખ્યા. તેમાં પુતિનને ૭૬.૬ ટકા મત મળ્યા. પુટિન આ ચૂંટણી તેમના પક્ષ યુનાઇટેડ રશિયા તરફથી લડવાના બદલે અપક્ષ તરીકે લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં પુટિનને મજબૂત ટક્કર આપનારા મુખ્ય વિપક્ષી નેતા અલેક્સઈ નવાલની પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પુટિનના પ્રતિસ્પર્ધી કરોડપતિ કમ્યુનિસ્ટ નેતા પોવેલ ગુરિદનીનને ૧૨ ટકા મત મળ્યા. ચૂંટણી લડી રહેલી એક માત્ર મહિલા ઉમેદવાર કસેનિયા સોબચકને માત્ર ૨ ટકા જ મત મળ્યા. પુટિનના વિજયથી અનેક પોલિંગ બૂથ પર ગેરરીતિના વીડિયો પણ સામે આવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે મતપેટીઓમાં બોગસ વોટિંગ થયું અને અન્ય અનેક પ્રકારની ગેરરીતિઓ પણ થઈ છે કારણ કે રશિયન સરકાર ઇચ્છતી હતી કે પુટિન ઐતિહાસિક વિજય મેળવે. બિનસરકારી મોનિટરીંગ ગ્રૂપ ગોલોસ મુજબ નિરીક્ષકોએ ૨૦૦૦થી વધુ જગ્યાઓ પર મતદાનમાં ગેરરીતિ થતી જોઈ છે.