રિફોર્મથી ટ્રાન્સફોર્મ નીતિથી વિશ્વતખતે ભારતનું મહત્ત્વ વધ્યું

Wednesday 10th January 2018 05:50 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રથમ પીઆઇઓ (પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન) સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં દરિયાપારના દેશોથી આવેલા ભારતવંશી સાંસદોને આવકારતાં આ સંમેલનને ‘મીનિ વર્લ્ડ પાર્લામેન્ટ’ તરીકે ઓળખાવ્યું હતું. પ્રવાસી ભારતીય દિવસના ભાગરૂપે યોજાયેલા આ સંમેલનમાં ૨૩ દેશના લગભગ ૧૪૦ સાંસદ અને મેયર હાજરી આપી રહ્યા છે.
વૈશ્વિક રાજકારણમાં ભારતની આ મહત્ત્વપૂર્ણ ઘટના છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ડાયસ્પોરાના સંદર્ભમાં વિશ્વના અન્ય કોઇ દેશમાં આ પ્રકારનું સંમેલન યોજાયું નથી.
વડા પ્રધાને કહ્યું હતું કે હું વિદેશથી આવેલા ભારતીય મૂળના નાગરિકોનું ૧૨૫ કરોડ હિન્દુસ્તાનીઓ તરફથી સ્વાગત કરું છું. આપણું ભારત બદલાઇ રહ્યું છે. વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સહિતના વૈશ્વિક સંસ્થાનો ભારત સામે આશાસ્પદ નજરે નિહાળી રહ્યા છે. અમે દેશમાં આર્થિક ક્ષેત્રે કાંતિકારી પરિવર્તન લાવ્યા છીએ. રિફોર્મથી ટ્રાન્સફોર્મ અમારી નીતિ છે. લોકોની અપેક્ષાઓ ચરમસીમાએ છે. આપની પ્રગતિથી ભારતીયો ખુશ થાય છે. દેશ આજે ઘણો આગળ વધ્યો છે.

કોઇની જમીન પર નજર નથી

વડા પ્રધાને ભારત સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા કહ્યું હતું કોઇના સ્રોત કે જમીન પર અમારી નજર નથી. અમારું ફોક્સ હંમેશા ક્ષમતાનું સર્જન અને વિકાસ પર રહ્યું છે. ૨૧મી સદી એશિયાની સદી હશે અને ભારત આમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આપ સહુ અમારા વિકાસ પર ગર્વ અનુભવશો.
આ પૂર્વે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પીઆઇઓ સંમેલનને સંબોધ્યું હતું. તેમણે કહ્યું હતું, જો આજે વિશ્વ તખતે ભારતનો પ્રભાવ વધ્યો હોય તો તેનો શ્રેય વડા પ્રધાન મોદીને જાય છે. જ્યારે વડા પ્રધાન જી-૨૦માં ગયા ત્યારે કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો અને નોટબંધી તથા જીએસટી જેવા સાહસિક નિર્ણયો લીધા. ‘જેવું પહેલાં હતું એવું જ ચાલતું રહેવાનું છે, કંઇ બદલવાનું નથી’ તેવી માનસિક્તાથી ભારત ઘણું આગળ નીકળી ગયું છે. સમગ્ર તંત્રમાં થઇ રહેલા આમૂલ પરિવર્તનનું પરિણામ આપને દરેક ક્ષેત્રમાં જોવા મળશે.

મિનિ વર્લ્ડ પાર્લામેન્ટ

વડા પ્રધાન મોદીએ સંમેલનને મિનિ વર્લ્ડ પાર્લામેન્ટનું નામ આપતાં કહ્યું હતું કે રાજનીતિની વાત કરું તો આજે હું જોઇ રહ્યો છું કે ભારતવંશીઓની એક મિનિ પાર્લામેન્ટ મારી નજર સમક્ષ છે. આજે ભારતવંશીઓ મોરીશસ, પોર્ટુગલ અને આયર્લેન્ડમાં વડા પ્રધાન પદે બિરાજે છે. ભારતીય મૂળના લોકો આ સિવાયના દેશોમાં પણ ઉચ્ચ સ્થાને બિરાજે છે. આમાં કંઇ નવાઇની વાત નથી કે ભારતીય મૂળના પ્રવાસીઓ જ્યાં પણ ગયા છે સંપૂર્ણપણે ત્યાંના થઇ ગયા છે. તે જગ્યાને પોતાનું ઘર બનાવી લીધી છે. તેમણે એક તરફ પોતાનામાં ભારતીયતાને ધબકતી રાખી છે તો બીજી તરફ ત્યાંની ભાષા, ત્યાંની રહેણીકરણી, ત્યાંની વેશભૂષાને પણ પૂરેપૂરી અપનાવી લીધી છે.

સબકા સાથ, સબકા વિકાસ

‘આસિયાન’ દેશો સાથેના સંબંધોને આપણે વધુ ઘનિષ્ઠ બનાવીને તેને વધુ નક્કર સ્વરૂપ આપ્યું છે. ભારત-આસિયાન સંબંધોનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે તેની ઝલક આગામી થોડાક દિવસો બાદ ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સમગ્ર દુનિયાને જોવા મળશે. જ્યારે સમસ્ત વિશ્વ વિવિધ પ્રકારની વિચારધારાઓમાં વિભાજિત થઇ રહ્યું છે ત્યારે આપ ભારતના સબકા સાથ સબકા વિકાસનું ગૌરવભેર ઉદાહરણ આપી શકો છો.

ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ

વડા પ્રધાને કહ્યું કે દુનિયાભરમાં અસ્થિરતાભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે તેમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના મૂલ્ય માર્ગદર્શક બની શકે તેમ છે. જ્યારે વિશ્વમાં અંતિમવાદ અને કટ્ટરવાદ અંગે ચિંતા વધી રહી છે ત્યારે આપ સહુ દુનિયામાં ભારતીય સંસકૃતિના સર્વ ધર્મ સમભાવનો સંદેશ ટાંકી શકો છે. ભારતની આવશ્યક્તા, શક્તિ અને વિશેષતાઓને વિશ્વ સુધી પહોંચાડવાની જેટલી સજ્જતા, ક્ષમતા આપ સહુમાં છે તેટલી અન્ય કોઇ પાસે નથી.

વૈશ્વિક દૃષ્ટિકોણમાં બદલાવ

મોદીએ કહ્યું હતું કે આપ સહુ લાંબા સમયથી અલગ અલગ દેશોમાં વસી રહ્યા છો. આપે અનુભવ્યું હશે કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ભારત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. વિશ્વનો આપણા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઇ રહ્યો છે અને આનું મુખ્ય કારણ એ છે કે ભારત ખુદ બદલાઇ રહ્યું છે. જ્યારે પણ હું કોઇ દેશની મુલાકાત લઉં છું ત્યારે મારો પ્રયાસ હોય છે કે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને મળું. આનું એક કારણ એ છે કે હું માનું છું કે વિશ્વ સાથેના ભારતના સંબંધો માટે જો કોઇ ખરા અર્થમાં કાયમી એમ્બેસેડર હોય તો તે ભારતીય મૂળના લોકો છે.

૨૦૨૦ના એજન્ડામાં પ્રવાસી ભારતીય

વડા પ્રધાને સંમેલનમાં આવેલા ભારતીય મૂળના સાંસદોને બિરદાવતા કહ્યું હતું કે કર્મભૂમિની પ્રગતિમાં આપ સહુના યોગદાનથી ભારતનું નામ રોશન થાય છે. ભારતના વિકાસ માટેના અમારા પ્રયાસોમાં અમે પ્રવાસી ભારતીયોને સહયોગી માનીએ છીએ. નીતિ આયોગે ૨૦૨૦ સુધીનો જે એજન્ડા તૈયાર કર્યો છે ત્યાં પ્રવાસી ભારતીયોને વિશેષ સ્થાન અપાયું છે.

સેવાની ભાવના આપણી ઓળખ

વડા પ્રધાને કહ્યું કે ભારતીય મૂળના લોકો વિદેશમાં એમ્બેસેડર છે. માનવીય મૂલ્યો આપણી પરંપરા રહી છે વિશ્વે આપણા બલિદાનની નોંધ લેવી જ પડશે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં આપણા લાખો સૈનિકોે બલિદાન આપ્યું છે. સેવાની ભાવના ભારતની ઓળખ છે. જ્યારે આપ સહુની માહિતી મળે છે કે ક્યા પ્રકારે આપ સહુ નીતિ બનાવી રહ્યા છો, અને વૈશ્વિક રાજનીતિમાં આપનો પ્રભાવ પાડી રહ્યા છો ત્યારે ઘણું ગૌરવ અનુભવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter