નવી દિલ્હી: ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોનું ભૂત ફરીથી ધૂણ્યું છે. થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાં આ મુદ્દે ઉચ્ચ ન્યાયિક તપાસના આદેશ અપાઈને એક ન્યાયાધીશની નિમણૂક પણ કરવામાં આવી હતી. ફ્રાન્સની નેશનલ ફાઈનાન્સિયલ પ્રોસિક્યુટર્સની કચેરીએ જણાવ્યું કે, આ સોદામાં મોટાપાયે ગોટાળા થયા અને કટકી થયાના આરોપો મુકવામાં આવ્યા છે.
સમગ્ર કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે, આર્થિક અપરાધો સામે લડત આપતી ફ્રાન્સની સ્વૈચ્છિક સંસ્થા શેર્પા દ્વારા આ સોદામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરાઈ છે અને એપ્રિલ મહિનામાં મીડિયાપાર્ટ દ્વારા ભ્રષ્ટાચાર અંગેના નવા રિપોર્ટ પ્રસિદ્ધ કરાયા બાદ નેશનલ ફાઇનાન્સિયલ પ્રોસિક્યુટર્સની કચેરી દ્વારા ન્યાયિક તપાસનો આદેશ અપાયો છે.
આ મામલે ભારતમાં પણ રાજકીય માહોલ ગરમ બન્યો છે. કેન્દ્ર સરકારને ઘેરવા સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ આ સોદામાં તપાસની માગ કરી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા સંસદીય તપાસ સમિતિ (જેપીસી) દ્વારા સોદા અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
એન્ટિકરપ્શન ક્લોઝ કાઢી નખાયો!
મીડિયાપાર્ટના આરોપોમાં મહત્ત્વનું પાસું એ પણ આવે છે કે, જ્યારે પણ સંરક્ષણ ક્ષેત્રે સોદા કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર હેઠળ એન્ટિકરપ્શન ક્લોઝ લાગુ કરવામાં આવે છે. જેના અંતર્ગત, લાંચ, ભેટસોગાદ, પ્રભાવ પાડવો, કમિશન આપવું કે પછી વચેટિયા જેવી કોઈ બાબતો જણાવી જોઈએ નહીં. યુપીએ સરકાર દ્વારા જ્યારે જે-તે સમયે ૧૨૬ વિમાનો માટે ટેન્ડરિંગ કરાયું ત્યારે આ શરત રાખવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જુલાઈ ૨૦૧૫માં એન્ટિકરપ્શન ક્લોઝની વાત કરવામાં આવી હતી, પણ ફ્રાન્સ સરકારે પહેલાં આ ક્લોઝ રદ કરી દીધો અને સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા પણ આ ક્લોઝ રદ કરવામાં આવ્યો.
• કયા આરોપો મુકાયા?
ફ્રેન્ચ પ્રોસિક્યુશન સર્વિસિસ સમક્ષ એન્ટિકરપ્શન એનજીઓ શેર્પા દ્વારા રાફેલ પેપર, ભ્રષ્ટાચાર, પેડલિંગ, સોદા ઉપર અસર પાડવી, મની લોન્ડરિંગ, ફેવરેટિઝમ અને અન્ય ગેરકાયદે લેવડદેવડના આરોપો મુકાયા છે.
• કોની કોની સામે તપાસ કરાશે?
ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દે, વર્તમાન ફ્રાન્સ પ્રમુખ અને તત્કાલીન ઈકોનોમી એન્ડ ફાઈનાન્સ પ્રધાન ઈમેન્યુઅલ મેક્રોં, તત્કાલીન ડિફેન્સ મિનિસ્ટર અને વર્તમાન વિદેશ પ્રધાન જીન યેસ લે ડ્રીઆન તથા અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ.
આ બાબતો ધ્યાનમાં આવતાં
ગોટાળાના આરોપો મુકાયા
૧) રિલાયન્સ ઈન્ફ્રા અને દસોલ્ટ એવિએશન દ્વારા સંયુક્ત રીતે દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (DRAL)નામની કંપની બનાવવામાં આવી હતી જેમાં, રિલાયન્સનો ભાગ ૫૧ ટકા હતો જ્યારે દસોલન્ટનો ભાગ ૪૯ ટકા હતો.
૨) મહત્તમ ૧૬૯ મિલિયન યૂરોનું રોકાણ કરવા માટે સોદો થયો હતા. આ સોદામાં ૪૯ ટકા ભાગ ધરાવતા દસોલ્ટ દ્વારા ૧૫૯ મિલિયન
યૂરો આપવામાં આવ્યા જ્યારે ૫૧ ટકા ભાગ ધરાવતી રિલાયન્સ દ્વારા માત્ર ૧૦ મિલિયન યૂરો અપાયા હતા.
૩) ક્લોઝ ૪.૪.૧માં જણાવાયું હતું કે, રિલાયન્સ અને દસોલ્ટ વચ્ચે થયેલા કરાર પ્રમાણે રિલાયન્સ દ્વારા પ્રોડક્શન ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ભારત સરકાર માટે માર્કેટિંગ અને સર્વિસ પ્રોગ્રામનું પણ સંચાલન કરવામાં આવશે.
૪) રિલાયન્સ અને દસોલ્ટના આ સોદામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સદંતર બાદબાકી કરી નાંખવામાં આવી હતી. સરકારે પણ આ દિશામાં ધ્યાન ન આપ્યું.
૫) દસોલ્ટ એવિયેશનના સીઈઓ એરિક ટ્રેપિયર દ્વારા ૨૫ માર્ચ ૨૦૧૫ના રોજ બેંગ્લોર
ખાતે એચએએલના ચેરમેન અને ભારતના એરફોર્સના વડાની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી કે, દસોલ્ટ અને HAL વચ્ચે આરપીએફ માટે સોદો કરવામાં આવશે. તેના બીજા જ દિવસે રિલાયન્સ અને દસોલ્ટ દ્વારા સમજૂતી કરાર પણ કરી લેવાયા હતા.