નવી દિલ્હી:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોલર એનર્જીના ક્ષેત્રમાં મોટી ડીલ કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે રવિવારે જાહેરાત કરી છે કે તેણે ૭૭૧ મિલિયન ડોલર (૫૭૯૨ કરોડ રૂપિયા)માં REC સોલર હોલ્ડિંગ્સને ટેઇકઓવર કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ ધરાવતી રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે ચાઈના નેશનલ બ્લૂસ્ટાર કંપની લિમિટેડ પાસેથી આરઈસી સોલર હોલ્ડિંગ્સ એએસ (આરઈસી ગ્રૂપ)ના ૧૦૦ ટકા હિસ્સો મેળવ્યો છે.
રિલાયન્સ માટે મહત્ત્વનો સોદો
વૈશ્વિક સ્તરે ફોટોવોલ્ટેક (પીવી) મેન્યુફેકચરિંગ પ્લેયર બનવા માટે રિલાયન્સના ન્યૂ એનર્જી વિઝન માટે આ ટેઇકઓવર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટેઇકઓવર રિલાયન્સ ગ્રૂપને ૨૦૩૦ સુધીમાં સોલર એનર્જીના ૧૦૦ ગીગાવોટના ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ વર્ષ સુધીમાં ભારતનું લક્ષ્ય પણ રિન્યુએબલ એનર્જીના ૪૫૦ ગીગાવોટના ઉત્પાદનનું છે.
૧૯૯૬માં RECની સ્થાપના
નોર્વેમાં હેડ ક્વાર્ટર ધરાવતી RECની સ્થાપના ૧૯૯૬માં થઈ હતી. તેનું ઓપરેશનલ હેડ ક્વાર્ટર સિંગાપુરમાં છે. સાથે જ નોર્ધર્ન અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા પ્રશાતમાં તેનું રિજનલ કેન્દ્ર છે. આ કંપનીની પાસે ૬૦૦થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે. જેમાંથી ૪૪૬ને મંજૂરી મળી ગઈ છે. REC વિશેષરૂપથી રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ફોકસ ધરાવતી કંપની છે.
રિલાયન્સે જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં પોતાના સિલિકોન-ટૂ-પીવી-પેનલ ગીગા ફેક્ટરીમાં આરઈસી સોલર ટેક્નિકનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. તેની શરૂઆત પ્રતિ વર્ષ ૪ ગીગાવોટની ક્ષમતાની સાથે થશે. સમયની સાથે તેની ક્ષમતા વધારીને પ્રતિ વર્ષ ૧૦૦ ગીગાવોટ સુધી કરાશે.
આરઈસી સોલરની ભારતીય મહાદ્રીપમાં ૫૦૦૦ મેગાવોટની સ્થાપિત ક્ષમતા છે. આરઈસીની વેબસાઈટનો દાવો છે કે તેની રૂફ માઉન્ટેડ પેનલ ઓછામાં ઓછી ૨૫ વર્ષ સુધી ચાલી શકે છે.
ક્લીન અને ગ્રીન એનર્જીનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશેઃ અંબાણી
આ બિગ ડીલ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે હું RECના ટેઇકઓવરથી ખૂબ જ ખુશ છું કારણ કે તે સૂર્યદેવની અસીમિત સૌર શક્તિના વપરાશમાં મદદ કરશે. આ અધિગ્રહણ દશકાના અંત પહેલા ૧૦૦ ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવાના રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી અને એડવાન્સ્ડ ટેક્નોલોજી અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૪૫૦ ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉત્પાદનનું છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એકલી કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. આ ડીલ ભારતને જળવાયુ સંકટમાંથી ઉગારવામાં અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં ઉપયોગી થશે.