રીલ લાઇફમાંથી રિયલ લાઇફ હીરોઃ ઝેલેન્સ્કીની કોમેડિયનમાંથી રાષ્ટ્રપતિ પદ સુધીની સફર

Saturday 05th March 2022 05:36 EST
 
 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેન સામે સૈન્ય અભિયાન છેડ્યું છે. તેમનું કહેવું છે કે યૂક્રેનના સૈનિકોએ હથિયાર મૂકી દેવા જોઈએ. જોકે, પ્રથમ વખત રાષ્ટ્રપતિ બનેલા અને ઉંમરમાં પુતિનથી ખૂબ જ નાના યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી મચક નથી આપી રહ્યા. હિંદી ફિલ્મ 'નાયક'માં અનિલ કપૂર પડદા ઉપર ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવે છે અને સંજોગો તેમને રૂપેરી પડદેથી રાજ્યના મુખ્ય પ્રધાનની ખુરશી સુધી દોરી જાય છે. કંઈક આવું જ ઝેલેન્સ્કીના જીવનમાં પણ ઘટ્યું છે. યૂક્રેનની કોમેડી સિરિયલ 'સર્વન્ટ ઓફ ધ પીપલ'માં તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી. એપ્રિલ-2019માં રીલ લાઇફ રિયલ લાઇફ બની ગઈ અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. આજે તેઓ 4.40 કરોડ યૂક્રેનવાસીઓને સાથે લઈને તાકતવર રશિયન સેના સામે પડકાર ઊભો કરી રહ્યા છે.
2014માં રશિયાએ ક્રીમિયા પર કબજો કરીને પોતાની સાથે ભેળવી દીધું. એ પછી ફાટી નીકળેલાં ભારે વિરોધ પ્રદર્શનોને કારણે રશિયાતરફી રાષ્ટ્રપતિ વિકતોર યાનુકોવિચે રાજીનામું આપી દીધું. એ પછી વર્ષ 2015માં શરૂ થઈ 'સર્વન્ટ ઓફ ધ પીપલ' ટીવી સિરિયલ. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમાં ઇતિહાસના શિક્ષક વેસિલી ગોલોબોરોદકોની ભૂમિકા ભજવી હતી. સિરિયલમાં તેઓ યૂક્રેનમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર સાથે અપશબ્દો અને આક્રોશથી ભરેલું ભાષણ આપે છે. જે ઓનલાઇન વાઇરલ થઈ જાય છે અને સંજોગો તેમને રાષ્ટ્રપતિ પદે દોરી જાય છે. આથી જ ઝેલેન્સ્કીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે પોતાના પક્ષનું નામ 'સર્વન્ટ ઓફ ધ પીપલ' રાખ્યું હતું. તેમણે રાજકારણમાં પારદર્શકતા લાવવાનું તથા અશાંત એવા પૂર્વીય વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું વચન આપ્યું.
નાયકથી 'નાયક' સુધી
ઝેલેન્સ્કીનો જન્મ યહૂદી પરિવારમાં થયો. તેમણે કિવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી લીધી. જોકે તેમનો ઝોક કોમેડી તરફનો રહ્યો. યુવાવસ્થામાં તેઓ રશિયન ટીવી ચેનલ પરથી પ્રસારિત થતી કોમેડી સ્પર્ધામાં ભાગ લેતા હતા. 2003માં ઝેલેન્સ્કીએ અન્યો સાથે મળીને કોમેડી ટીમ કવારતલ 95ના નામથી પ્રોડક્શન કંપની ખોલી, જે ખૂબ જ સફળ રહી. આ કંપનીએ યૂક્રેનના 1+1 નેટવર્ક માટે અનેક સફળ શોનું નિર્માણ કર્યું. ચેનલની માલિકી વિવાદાસ્પદ બિલિયોનેર ઇહોર કોલોમોઇસ્કીની છે, જ્યારે ઝેલેન્સ્કીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે કોલોમોઇસ્કીએ તેમને ટેકો આપ્યો.
તેમણે 2009માં રજૂ થયેલી ફિલ્મ બિગ સિટી તથા 2012ની ફિલ્મ રેઝેસ્ક્વી વર્સસ નેપોલિયનમાં અભિનય કર્યો. 2019ની ચૂંટણી સમયે ઝેલેન્સ્કીએ તત્કાલીન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોસેન્કોને ભારે મતોથી પરાજય આપ્યો. ઝેલેન્સ્કીને 73.2 ટકા મત મળ્યા અને યૂક્રેનના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે સુકાન સંભાળ્યું. 44 વર્ષીય ઝેલેન્સ્કી રશિયા મુદ્દે દેશવાસીને એક રાખવામાં સફળ રહ્યા છે.
દોનબાસમાં દંગલ
પદભાર સંભાળ્યા બાદ તેમણે પાકટ વલણ દાખવ્યું અને રશિયા સાથે સંઘર્ષના બદલે વાટાઘાટ હાથ ધરી. બંને દેશો વચ્ચે બંદીઓનું આદાનપ્રદાન થયું અને અશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે મિન્સ્ક કરાર થયા, પરંતુ સંઘર્ષવિરામનું ક્યારેય પાલન ન થઈ શક્યું અને હિંસા યથાવત્ રહી.
ઝેલેન્સ્કીએ ચૂંટણીવચન મુજબ દોનબાસમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કર્યાં, જેમાં લગભગ 14 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. દરમિયાન પુતિને કબજાગ્રસ્ત વિસ્તારના લોકોને રશિયાના પાસપોર્ટ આપવાની જાહેરાત કરી, જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ. ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયન તથા પશ્ચિમી દેશોના સૈન્યસંગઠન ‘નાટો’માં જોડાવા માટે ભારપૂર્વક જાહેરાત કરી અને ગંભીર પ્રયાસ હાથ ધર્યા, જેના કારણે પુતિન ગિન્નાઈ ગયા. ટીકાકારોના કહેવા પ્રમાણે, રાજકારણનો અનુભવ ન હોવાથી રાજદ્વારી તરીકે નોંધ લેવડાવવામાં તેઓ અસફળ રહ્યા.
ઓક્ટોબર-2021માં ધનવાનો દ્વારા વિદેશમાં ગુપ્ત રીતે ધનસંગ્રહનો ખુલાસો કરતા પેન્ડોરા પેપર્સ બહાર આવ્યા ત્યારે ઝેલેન્સ્કી તથા તેમની નજીકના લોકોએ વિદેશોમાં કંપનીઓ ખોલીને લાભ મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter