રૂ. 40 કરોડની ગાયનું ભારત કનેક્શન

Wednesday 02nd October 2024 05:49 EDT
 
 

બ્રાઝિલિયાઃ જો કોઈ આપણને પૂછે કે સૌથી મોંઘી ગાયની કિંમત કેટલી? તો આપણે રૂપિયા 5 લાખ કે 10 લાખ કહીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઈ છે. હા, પૂરા 40 કરોડમાં, એટલું જ નહીં, આ ગાયનું ભારત સાથે ગાઢ જોડાણ છે. તેની ખાસિયતો જાણીને તમને પણ આશ્ચર્ય થશે. પ્રાણીઓની હરાજીની દુનિયામાં આ એક નવો રેકોર્ડ છે.
આ ગાય આંધ્ર પ્રદેશના નેલ્લોરની છે. તે વિયાટિના-19 એફઆઇવી મારા ઇમોવિસ નામથી ઓળખાય છે. બ્રાઝિલમાં એક હરાજી દરમિયાન આ ગાય 4.8 મિલિયન યુએસ ડોલરમાં વેચાઇ છે, જે ભારતીય રૂપિયામાં 40 કરોડ રૂપિયા બરાબર છે. આ સાથે તે વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાયેલી ગાય બની છે. રેશમી સફેદ ફર અને ખભા પર વિશિષ્ટ બલ્બ હમ્પ ધરાવતી આ ગાય મૂળ ભારતની છે. જાણીને નવાઈ લાગશે કે આ ગાયનું નામ નેલ્લોર જિલ્લાના નામ પરથી રખાયું છે. બ્રાઝિલમાં આ જાતિની ખૂબ માંગ છે.
ગાયની આ જાતિ વૈજ્ઞાનિક ભાષામાં બોસ ઈન્ડીકસ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, તે ભારતના ઓન્ગોલ પશુઓની વંશજ છે, જે તેની શક્તિ માટે જાણીતી છે. ગાયની વિશેષતા એ છે કે તે પોતાની જાતને પર્યાવરણ પ્રમાણે અનુકૂળ બનાવે છે. આ પ્રજાતિને 1868માં વહાણ દ્વારા પ્રથમ વખત બ્રાઝિલ મોકલા હતી. આ પછી 1960ના દાયકામાં બીજી અનેક ગાયોને ભારતથી લઇ જવાઇ હતી.
ઓન્ગોલ જાતિના પશુઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ ગરમ તાપમાનમાં પણ જીવી શકે છે કારણ કે તેમનું મેટાબોલિઝમ ઘણું સારું છે. તેને કોઈ પણ પ્રકારનો ચેપ પણ લાગતો નથી. બ્રાઝિલમાં ખૂબ જ ગરમી છે, તેથી આ ગાય ખૂબ જ પસંદ કરાય છે. આ બ્રીડને જિનેટિકલી વધુ વિકસિત કરાઇ છે. પરિણામે તેનું વાછરડું માતા કરતાં પણ વધુ ઉચ્ચ ગુણો ધરાવતું હશે તેવું વૈજ્ઞાનિઓનું માનવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter