રૂ. 90 હજાર કરોડનો સંરક્ષણ સોદોઃ ભારત ફ્રાન્સ પાસેથી રફાલ-એમ અને સબમરિન ખરીદશે

Thursday 13th July 2023 17:41 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ફ્રાન્સના પ્રવાસે જઇ રહ્યા છે. 13 અને 14 જુલાઇના આ પ્રવાસ દરમિયાન મોદી ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ રહેશે. પરંતુ, આ પ્રવાસને ભારતીય દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. વડા પ્રધાન મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન આશરે 90,000 કરોડના સંરક્ષણ સોદાને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે. આમાં નૌસેના માટે ફાઇટર પ્લેન રફાલના ‘એમ’ વર્ઝન તેમજ ત્રણ સબમરિનની ખરીદીનો પણ સમાવેશ થાય છે. આ સમજૂતી કરાર દરમિયાન મેક ઇન ઇંડિયા નીતિ કેન્દ્રસ્થાને હશે.
એક અહેવાલ અનુસાર ભારત 26 રફાલ એમ ખરીદશે. આ વિમાન કુલ 5.5 બિલિયન ડોલર (45 હજાર કરોડ રૂપિયા)માં મળશે. મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન ફ્રાન્સની એરક્રાફ્ટ કંપની દસોલ્ટ એવિયેશનની સાથે રફાલ-એમની ડીલ પર હસ્તાક્ષર થઇ શકે છે. આ વિમાનને સમુદ્રી વિસ્તારમાં હવાઇ હુમલા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને સૌથી પહેલાં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે INS વિક્રાંત પર રશિયન મિગ-29 તહેનાત છે, જેને ધીરે ધીરે સેવાનિવૃત્ત કરાઇ રહ્યા છે. વડા પ્રધાનના ફ્રાન્સ પ્રવાસ પહેલાં ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કાઉન્સિલ ડીલને ઔપચારિક મંજૂરી આપવા માટે બેઠક કરશે.
મેરિકન જેટના સ્થાને ફ્રાન્સના રફાલ
અમેરિકન ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ના સ્થાને રફાલ-એમની પસંદગી કરી છે. ભારત સરકાર છેલ્લાં ચાર વર્ષથી આઇએનએસ વિક્રાંત માટે નવા ફાઇટર જેટને ખરીદવાની યોજના પર કામ કરી રહી હતી. બે વર્ષ પહેલાં અમેરિકન બોઇંગ ‘એફ-એ-18 સુપર હોર્નેટ’ અને ફ્રાન્સના રફાલ ‘એમ’માંથી કોઇ એકની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બંને ફાઇટર જેટ્સની ખાસિયતને લઇને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતીય રક્ષા નિષ્ણાતોએ રફાલ એમને જરૂરિયાત મુજબ ફિટ ગણાવ્યું હતું, જ્યારે બોઇંગ એફ-એ-18ને લઇને ભારતીય નિષ્ણાતો એકમત ન હતા. નૌસેનાએ ગત વર્ષે ગોવામાં સુપર હોર્નેટ અને રફાલ એમનું પરીક્ષણ કર્યું હતું.
ત્રણ વર્ષ લાગી શકે
ફાઇટર જેટની પ્રથમ ખેપ પહોંચવામાં ત્રણ વર્ષ લાગી શકે છે. નૌસેનાને તાત્કાલિક ફાઇટર પ્લેનની જરૂરિયાત છે. આઇએનએસ વિક્રાંતનું સમુદ્રી પરીક્ષણ પણ શરૂ થઇ ચૂક્યું છે. તેના ડેક પરથી ફાઇટર ઓપરેશનની પરખ બાકી છે. જો આ મહિને સોદા પર મહોર વાગશે તો ઓછામાં ઓછું એક વર્ષ ટેક્નિકલ અને ખર્ચ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં લાગશે. સૂત્રોનુસાર વિમાનોના શિપમેન્ટમાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. વાયુસેના માટે 36 રફાલનો સોદો 2016માં થયો હતો અને ડિલિવરી પૂર્ણ થવામાં 7 વર્ષ થયાં હતાં.
સ્વદેશી વિમાન 2030 સુધીમાં બનશે
​ભારત એરક્રાફ્ટ કેરિયર પર તહેનાતી માટે પોતાના એલસીએ-નેવી વિમાન તૈયાર કરી રહ્યું છે. પરંતુ તેનું પહેલું વિમાન 2030 સુધી બની શકશે. આ પહેલાં નૌસેના 26 વિમાન ખરીદવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter