નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના રૂ. ૧૩,૦૦૦ કરોડ ચાઉં કરીને વિદેશ ભાગી ગયેલા હીરાકૌભાંડી કિંગ મેહુલ ચોક્સી સામે ૧૩મીએ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલે જણાવ્યું હતું કે, સીબીઆઈની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા મેહુલ ચોકસી સામે રેડકોર્નર નોટિસ જારી કરાઈ છે. ઇન્ટરપોલે તેના સભ્ય દેશોની કાયદા એજન્સીઓને મેહુલ ચોકસીની અટકાયત કરવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ દ્વારા મેહુલ ચોકસી સામે રેડકોર્નર નોટિસ જારી કરવાની ઇન્ટરપોલને વિનંતી કરાયાના ૬ મહિના પછી આ નિર્ણય લેવાયો છે. હાલ મેહુલ ચોકસી એન્ટિગુઆની નાગરિકતા મેળવી કેરેબિયન દેશમાં આશ્રય લઈ રહ્યો છે. એન્ટિગુઆ ઇન્ટરપોલનો સભ્ય દેશ છે તેથી સીબીઆઈ ટૂંક સમયમાં એન્ટિગુઆના સત્તાવાળાઓને મેહુલ ચોકસીની અટકાયત કરવાની વિનંતી કરશે.
અગાઉ જ્વેલર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને સહયોગી મિહિર ભણસાલી સામે રેડકોર્નર નોટિસ જારી કરી ચૂકી છે, પરંતુ મેહુલ ચોકસીના મામલામાં કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી હોવાને કારણે ઇન્ટરપોલે તેની સામે રેડકોર્નર નોટિસ જારી કરી નહોતી.
પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
અગાઉ ભારત સરકાર એન્ટિગુઆ સમક્ષ મેહુલ ચોકસીનાં પ્રત્યાર્પણની માગ કરી ચૂકી છે. એન્ટિગુઆની સરકારે જણાવ્યું હતું કે, અમે મેહુલ ચોકસીનાં પ્રત્યાર્પણ અંગેની કાયદેસરની વિનંતી પર ધ્યાન આપીશું, તેનો અર્થ એ થયો કે, એન્ટિગુઆ મેહુલ ચોકસીનાં પ્રત્યાર્પણ પર વિચારણા કરી શકે છે. પ્રત્યાર્પણ અટકાવવા મેહુલ ચોકસી એન્ટિગુઆની સુપ્રીમનાં શરણમાં પહોંચી ચૂક્યો છે.