વોશિંગ્ટનઃ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે કેન્ડલલાઇટ ડિનર કરવા ઇચ્છતા હો તો એક મિલિયન ડોલર એટલે કે રૂ. ૬.૮૪ કરોડ આપવા પડશે. આ ડિનર તેમના શપથગ્રહણ કાર્યક્રમ પછી ૨૦ જાન્યુઆરીએ યોજાશે. તેમાં ટ્રમ્પના અબજપતિ મિત્રો અને ભાગીદારો સામેલ થશે. ટ્રમ્પના શપથગ્રહણ માટેની સમિતિએ આ માહિતી આપી છે. કેન્ડલલાઇટ ડિનર માટે આઠ ટિકિટ રખાઈ છે. તેમાં ટ્રમ્પ તેની પત્ની મેલેનિયા, પેન્સ તથા તેમની પત્ની કેરેન પણ સામેલ હશે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના બીજા કાર્યકાળમાં શપથ લીધા પછી ૨૦૧૩માં આ પ્રકારનું ડિનર આપ્યું હતું.
એક રિપોર્ટ પ્રમાણે ૫૮મા શપથગ્રહણ કાર્યક્રમમાં જમા કરાયેલા નાણાંમાંથી જે બચશે તેને ધાર્મિક સંસ્થાઓમાં દાન કરાશે. આ કાર્યક્રમો માટે ૨૫ હજાર ડોલરથી લઈને દસ લાખ ડોલરની ટિકિટ છે. એક લાખ ડોલર આપનારા લોકોને કેબિનેટના સભ્યો સાથે વાતચીત કરવાની તક મળશે. ૨૦૧૩માં ઓબામાએ ૪.૪ કરોડ ડોલર જમા કર્યા હતા. આ રકમ એટીએન્ડટી, બોઇંગ, શેવરો અને માઇક્રોસોફ્ટે આપી હતી.