નવી દિલ્હી: ભારત અને રશિયાએ દ્વિપક્ષીય વ્યાપારનું સેટલમેન્ટ રૂપિયામાં કરવાના પ્રયાસો સ્થગિત કરી દીધા છે. મહિનાઓની વાટાઘાટો બાદ ભારતના સરકારી અધિકારીઓ રશિયાને તેની તિજોરીમાં ભારતીય રૂપિયાને રાખવા માટે સમજાવવામાં નિષ્ફળ ગયાં હતાં, તેમ આ બાબતે જાણકારી ધરાવતાં સૂત્રોએ જણાવ્યું હતું. રશિયામાંથી સસ્તા તેલ અને કોલસાના ભારતીય આયાતકારો માટે આ સમાચાર આંચકારૂપ છે. તેઓ ચલણના રૂપાંતર ખર્ચને ઘટાડી શકાય તે માટે કાયમી ધોરણે રૂપિયાની ચુકવણી પદ્ધતિ અમલમાં આવવાની રાહ જોતા હતાં. રશિયાની તરફેણમાં ઊંચા વ્યાપાર તફાવતની સાથે મોસ્કોનું માનવું છે કે, જો આવી પદ્ધતિથી કામ કરવામાં આવશે તો વર્ષાંતે 40 બિલિયન ડોલરથી વધુનું ભારતીય ચલણ સરપ્લસ થશે અને તેમના ભારતીય રૂપિયાની આટલી સરપ્લસ ઇચ્છનીય નથી. એક ભારતીય અધિકારીએ પોતાનાનું નામ ન આપવાની શરતે આ માહિતી આપી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે આ બાબતે ભારતીય નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને રશિયન સત્તાવાળાઓએ કોઈ ટિપ્પણી કરી નથી.