તાઇપેઇઃ તાઇવાનના તાઇચુંગ શહેરનું રેઇનબો વિલેજ પોપ્યુલર ટૂરિસ્ટ સ્પોટ બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ રિટાયર થયેલા ચાઇનીઝ સૈનિકો માટે બનેલા આ ગામના ઘરોને હુઆંગ યુંગ ફૂએ પેઇન્ટ કરીને તેમની કાયા પલટી નાખી છે.
૯૩ વર્ષીય હુઆંગની આ મ્યૂરલ પેઇન્ટિંગ્સે સાબિત કરી દીધું છે કે કોઈ સરકારી નિર્ણય લોકોને ન ગમે તો તેનો વિરોધ રસ્તા પર ઊતરી પડવાના બદલે ક્રિએટિવ રીતે પણ કરી શકાય છે. હોંગકોંગમાં જન્મેલા હુઆંગ રિપબ્લિક ઓફ ચાઇનાની આર્મીમાં હતા. તેઓ આ ઉંમરે પણ વહેલી પરોઢે ૩ વાગ્યે ઊઠીને ઘરની દીવાલો ઠીક કરે છે.
રિટાયર્ડ સૈનિક છે હુઆંગ
તાઇચુંગના સ્થાનિક શાસકોએ રિટાયર્ડ સૈનિકોના ઘરો તોડવાનો નિર્ણય કર્યો ત્યારે હુઆંગને આ દીવાલો રંગવાનો વિચાર આવ્યો. તેમનો વિચાર નવો હતો. એટલું જ નહીં પણ આનાથી તેમનો સમય પણ આસાનીથી પસાર થવા લાગ્યો. રેઇનબો ગ્રાન્ડફાધરના નામથી મશહૂર હુઆંગ પેઇન્ટિંગ કરવાનું તો જાણતા જ હતા. બસ બ્રશ પકડ્યું અને ઘેરા રંગોથી ગામની દીવાલો પર સુંદર મ્યૂરલ બનાવી દીધા. ઘણા પ્રાણીઓ, સેલિબ્રિટીઝ અને કલ્ચરલ હીરોઝના પેઇન્ટિંગ પણ બનાવ્યા.
પ્રજા પણ તેમના સમર્થનમાં
રેઇનબો વિલેજ લિંગ તુંગ યુનિવર્સિટીની નજીક છે અને એક દિવસ ત્યાંના સ્ટુડન્ટ્સે કેટલીક તસવીરો લીધી, જેના દ્વારા હુઆંગનું કામ લોકો સુધી પહોંચ્યું. લોકોએ ગામના ઘર તોડી પાડવા વિરુદ્ધ ફરિયાદ કરી અને છેવટે મેયરે આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો.