ન્યૂ યોર્ક: ઓબામાકેર નામના એક હેકરે અત્યાર સુધીની હેકિંગની સૌથી મોટી ઘટનામાં દસ બિલિયનથી વધુ પાસવર્ડ લીક કર્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. અગાઉ પણ લિન્કડઇન, ટ્વિટર, વીબો અને ટેન્સેન્ટ જેવા પ્લેટફોર્મમાંથી 12 ટેરાબાઈટ્સ સુધીનો ડેટા લીક કરાયો હતો. તાજેતરની હેકિંગ ઘટનામાં ઓબામાકેર નામના હેકરે લોકપ્રિય હેકિંગ ફોરમ પર રોકીયુ2024 નામના ડેટાસેટમાં 10 બિલિયન જેટલા વિશિષ્ટ પાસવર્ડ લીક કરી દીધા હતા. નિષ્ણાતોના મતે આવા ચોરાયેલા પાસવર્ડથી અનેક પ્રકારની છેતરપિંડી થઈ શકવાની સંભાવના હોવાથી વપરાશકારો સાવધ રહેવાની જરૂર છે. ઓબામાકેર નામનો આ યુઝર છેલ્લા અનેક વર્ષોથી સિમેન્સ એન્ડ સિમેન્સના કર્મચારીઓના ડેટાબેઝ, ઓનલાઈન કેસિનો આસ્કગેમ્બલર્સમાંથી મળેલી માહિતી તેમજ ન્યૂ જર્સી ખાતે રોવન કોલેજ માટેના એપ્લિકેશનોમાંથી તફડાવેલા ડેટા સહિતનો ડેટા ઓનલાઈન શેર કરી રહ્યો છે. સાયબર ન્યુઝ ખાતે સંશોધકોએ રોકયુ2024 ડેટાસેટની ત્રીજી આવૃત્તિ રજૂ કરી છે જેમાં અનેક નવા અને જૂના તફડાવેલા પાસવર્ડ સામેલ હતા.