રોબર્ટ મુગાબેઃ નાયકમાંથી ખલનાયક

Wednesday 11th September 2019 05:38 EDT
 
 

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ પ્રોસ્ટેટના કેન્સરથી પીડાતા હોવાનું મનાય છે. લાગલગાટ ૩૭ વર્ષ સત્તા સંભાળનાર મુગાબેને ૨૦૧૭માં બેઆબરૂ થઈને સત્તા છોડવી પડી હતી. નાયકથી ખલનાયક સુધી તેની દાસ્તાન રોચક છે. મુગાબેની છબિ સ્વતંત્રતાના હીરો અને વંશવાદને હરાવનારા નાયકના રૂપમાં રહી છે. લોકતાંત્રિક મૂલ્યોની વાત કરનારા મુગાબે ખલનાયક બની ગયા. તેઓ વિરોધીઓની હત્યા કરાવતા રહ્યા. તેમના શાસનમાં દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી અને છેવટે સેનાએ તેમને સત્તામાંથી હટાવી દીધા.

લોકહૃદયમાં સ્થાન

આફ્રિકામાં સાઉથ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા બાદ રોબર્ટ મુગાબેનું નામ આદરથી લેવાય છે. તેઓ એક જોશીલા, ઓજસ્વી યુવાન નેતા હતા. સમાજમાં સમાનતા માટે લડનારા નેતા તરીકે તેમણે પોતાની છાપ ઉપસાવી હતી. સાઉથ રહોડેશિયામાં (હાલના ઝિમ્બાબ્વેના કુટામામાં) ૨૧ ફેબ્રુઆરી ૧૯૨૪ના રોજ જન્મેલા રોબર્ટ મુગાબેના પિતા કાર્પેન્ટર અને માતા શિક્ષિકા હતા. તેમનું બાળપણ ખૂબ મુશ્કેલીમાં વીત્યું હતું. છતાંય કામ કરતાં કરતાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર મુગાબેએ ૧૯૬૩માં ટાન્ઝાનિયામાં ઝિમ્બાબ્વે આફ્રિકન નેશનલ યુનિયનની સ્થાપના કરી બ્રિટિશ સરકાર સામે આંદોલન છેડ્યું હતું.

આઝાદી બાદ વડા પ્રધાન

૧૯૮૦માં દેશને આઝાદી મળી અને મુગાબે પહેલા વડા પ્રધાન બન્યા. ૧૯૮૭માં તેમણે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા અને ૯૩ વર્ષની ઉંમર સુધી આ પદ પર કબજો જમાવ્યો હતો. તેમણે ૧૯૮૯માં પંચવર્ષીય યોજના અંતર્ગત ખેડૂતો માટે યોજના બનાવી. ખાણ અને કૃષિક્ષેત્રનો વિકાસ કર્યો. ૨૦૦૦માં ચૂંટણીમાં હાર બાદ તેમણે બ્રિટિશરોની સંપત્તિ કબજામાં લીધી . તેઓ સત્તા બચાવવામાં સફળ રહ્યા પણ અર્થતંત્ર કથળવા લાગ્યું.

સત્તાને વળગી રહ્યા

આઝાદી જંગ વેળા લોકતાંત્રિક મૂલ્યોની વાત કરનારા મુગાબે પછી બદલાતા ગયા. તેમની છબિ ધીમે ધીમે સત્તાભુખ્યા નેતાની બની. વિદેશોમાં ઇમેજ ખરડાઈ. રાજકીય વિરોધીની હત્યા કરાવી, ચૂંટણીમાં ગોલમાલ કરી. આખરે સેનાએ પદભ્રષ્ટ કર્યા.

સેના શા માટે વિરોધમાં ગઈ?

મુગાબે વિરોધીઓને પછાડવા સેનાનો ઉપયોગ કરતા ખચકાતા નહીં. સ્વતંત્રતા જંગમાં મોખરાની ભૂમિકા ભજવનારા ઇમર્સન માંનાગાગ્વાને ઉપ-રાષ્ટ્રપતિ પદથી બરખાસ્ત કરતાં સેના વિરોધમાં થઈ ગઈ. સેનાને લાગ્યું કે મુગાબે યુવા પત્ની ગ્રેસને સત્તા સોંપી દેશે. પ્રજા, સેના, વિપક્ષો નહોતા ઇચ્છતા કે ગ્રેસ સત્તા સંભાળે. આથી સેનાએ બળવો કરી સત્તા કબ્જે કરી. ૧.૩ કરોડની વસતી ધરાવતા ઝિમ્બાબ્વેએ ઉજવણી કરી.

શિક્ષણ - સ્વાસ્થ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ...

જોકે મુગાબેએ તેમના શાસનકાળ દરમિયાન શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધનીય કામ કર્યું છે. ઝિમ્બાબ્વેમાં સાક્ષરતા દર ઊંચો છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ તેમણે ત્રણ દાયકાના શાસનમાં અનેક કાર્યો કર્યા હતા, જે પ્રેરણાદાયક મનાય છે.

... પણ અર્થતંત્રનું નખ્ખોદ કાઢ્યું

દેશને અંકુશમાં રાખવાના ચક્કરમાં મુગાબેએ અર્થતંત્રનું ધનોતપનોત કાઢી નાંખ્યું. ત્યારથી આજ સુધી દેશ આર્થિક સંકટમાં ઘેરાયેલો છે. અહીં મોંઘવારીનો આંક ૧૦૦ ટકાથી વધારે છે. ચલણનું એટલું અવમૂલ્યન થયું છે કે ૨૦૦૯માં નવેસરથી ચલણ છાપવું પડ્યું. બેરોજગારનો દર ૯૦ ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter