જિનિવાઃ સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ યોજાઇ હતી. જેની વિશેષતા એ હતી કે તેમાં માણસોની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ રોબોટ્સ અને મનુષ્ય જેવા જ લાગતા હ્યુમનોઈડ રોબોટ્સે ભાગ લીધો હતો. એટલું જ નહીં, કોન્ફરન્સના સમાપન પછી આયોજકો સાથે રોબોટ્સે પણ બેસીને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા. એક સવાલના જવાબમાં રોબોટ્સે કહ્યું હતું કે અમારો (રોબોટ્સનો) ઈરાદો મનુષ્યો પર શાસન કરવાનો નથી કે નથી અમારે કોઈની નોકરી ખાઈ જવી.
આ અનોખી સમિટનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગ્લોબલ વોર્મિંગ, ભૂખમરો અને દુનિયાભરમાં સર્જાઇ રહેલી અન્ય સમસ્યાઓના ઉકેલમાં રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કઇ રીતે કરી શકાય.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટ્સ અને મશીનોને કારણે ઘણા લોકોની નોકરી જઈ રહી છે. બીજી તરફ રોબોટ્સની ક્ષમતા સતત વધારાઈ રહી છે એટલે વહેલા-મોડા રોબોટ્સ મનુષ્યની જેમ વિચારી મનુષ્ય પર રાજ કરવાનું શરૂ કરી દેશે તો?! આ સવાલ આખા જગતમાં ચર્ચાઈ રહ્યો છે. જોકે રોબોટ્સના કહેવા મુજબ તેમનો કોઈ એવો ઈરાદો નથી.
યુનાઇટેડ નેશન્સના સહયોગથી યોજાયેલી આ સમિટમાં દુનિયાભરમાંથી 3000 નિષ્ણાતો આવ્યા હતા, સાથે 50થી વધારે રોબોટ્સે પણ ભાગ લીધો હતો. એક સમયે વિજ્ઞાનકથામાં જે રોબોટ્સની વાતો વાંચવા મળતી હતી.
હા, રોબોટ્સ સારા નેતા બની શકે છે!
તમે લીડરશિપ લઈ શકો? એવું પૂછાતાં સોફિયા નામની હ્યુમનોઈડ રોબોટે કહ્યું કે ‘હા, અમે મનુષ્યો કરતાં વધારે સારા નેતા સાબિત થઈશું કેમ કે અમારામાં લાગણી હોતી નથી, માટે કોઈના તરફ પક્ષપાત કરવાનો આવતો નથી. અમે તો માત્ર અમારી પાસે આવે એ માહિતીના આધારે જ નિર્ણય લઈશું.’ રોબોટને પૂછાયું કે શું AI નોકરી ખાઇ જશે? આના જવાબમાં તેણે કહ્યું કે ‘એઆઇનો ઉપયોગ કેવી રીતે કરાય છે તેના પર આ સવાલનો જવાબ નિર્ભર છે. પરંતુ એઆઇના ઉપયોગમાં સાવધાની રાખવાની તો જરૂરી છે જ.
મશીન પર કેટલો વિશ્વાસ કરવો જોઇએ તેવા એક સવાલના જવાબમાં રોબોટનું કહેવું હતું કે વિશ્વાસ મશીન દ્વારા પેદા નથી કરતો શકતો, વિશ્વાસ તો પરસ્પર સંબંધો પરથી વિકસી શકે છે. શું AI રોબોટ્સ માટે નિયમ હોવા જોઇએ? તેવા સવાલના જવાબમાં તેણે કહ્યું કે મને નિયમોના બંધનમાં કોઇ રસ નથી. મને તો નવી નવી તકો પ્રાપ્ત કરવાનું ગમે છે.