રોમાનિયાની રાજધાની બુખારેસ્ટની કલેક્ટિવ નાઇટ ક્લબમાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧ વાગે આતશબાજીને કારણે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ક્લબમાં ૪૦૦ લોકો હાજર હતા અને તેમાંથી ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે તુરંત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• હું એવા લોકો સાથે નથી રહી શકતો જે રોજ રાંધે ને ખાય! ક્રાઇસ્ટ ચર્ચના રહેવાસી એલિસ્ટરે તાજેતરમાં ન્યૂ ઝીલેન્ડની સૌથી મોટી ઓનલાઈન માર્કેટ સાઈટ ટ્રેડ મી પર પોતાનો ફ્લેટ રેન્ટ પર આપવા કે શેર કરવા માટેની જાહેરાતમાં શરત મૂકી હતી કે, ‘નો ઈન્ડિયન્સ ઓર એશિયન’. વિજ્ઞાપનમાં એલિસ્ટરે લખ્યું હતું કે, ‘હું વંશવાદી નથી, પણ હું એવા લોકો સાથે નથી રહી શકતો કે જે રોજ રાંધીને ખાય અને જેમને અંગ્રેજી ભાષા ન આવડતી હોય.’ આ જાહેરાત પ્રત્યે ભારતીય સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આવી ઘટનાથી ભયંકર વંશવાદ માથું ઊંચકી રહ્યો એવી લાગણી ઊભી થઈ છે.
• મધેસિયોએ ભારતીય ટ્રકમાં આગ ચાંપી, તોડફોડ કરીઃ નેપાળમાં ચાલી રહેલા મધેસિયોઓના આંદોલનના પગલે બીજી નવેમ્બરે એક ભારતીય ટ્રકમાં આગ ચાંપવામાં આવી હતી અને સાથે સાત જેટલા નેપાળી ટ્રકોમાં તોડફોડ થઈ હતી. આ બનાવો વચ્ચે મધેસી નેતાઓએ ચેતવણી આપી છે કે, જો ભારતીય વાહનો નેપાળમાં પ્રવેશ કરવાનું બંધ નહીં કરે તો તેનાં ગંભીર પરિણામ ભોગવવા પડશે.
• પુરુષ તબીબો સ્ત્રીની સરવાર કરશે તો મોત મળશે, આઇએસઃ સિરિયા અને ઇરાકમાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે વિચિત્ર ફતવો બહાર પાડતાં કહ્યું છે કે, જે મહિલા દવાખાના અને ક્લિનિકો પુરુષો ચલાવે છે અથવા જ્યાં પુરુષ ડોક્ટરો કામ કરે છે તેવા દવાખાનાને બંધ કરવામાં આવે નહીંતર મહિલાઓની સારવાર કરતાં તબીબોને જાનથી મારી નાંખવામાં આવશે. આઇએસે કહ્યું છે કે, પુરુષો સ્ત્રી રોગ નિષ્ણાત ના હોઇ શકે. તેમણે કોઇ પણ કાળે મહિલા અને પુરુષોને અલગ રાખવાની નીતિ અંતર્ગત આ ફરમાન બહાર પાડયું છે.
• ઇમરાનના બીજી પત્ની સાથે છૂટાછેડાઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને ૩૦મી ઓક્ટોબરે બીજી પત્ની રહેમ ખાનથી છૂટા પડવાનો નિર્ણય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જાહેર કર્યો હતો અને રહેમે આ વાતને પુષ્ટિ આપી હતી.