ઈસ્લામાબાદઃ સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ વિરુદ્ધ પાકિસ્તાને કડક કાર્યવાહીનું કરવી જોઈએ તેવું આહવાન રાજનાથે કર્યું હતું. પાકિસ્તાનના ગૃહ પ્રધાન ચૌધરી નિસારઅલી ખાન આયોજિત લંચનો તેમણે બહિષ્કાર કર્યો હતો અને જમ્યા વિના જ સાંજે સ્વદેશ પરત ફર્યા હતા.
કોન્ફરન્સ શરૂ થઇ ત્યારે રાજનાથ સિંહ અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન ચૌધરી નિસાર અલી ખાન વચ્ચે ઔપચારિક હસ્તધૂનન પણ થયું નહોતું. બંનેએ માંડ એકબીજાના હાથનો સ્પર્શ કર્યો હતો.
રાજનાથે હિન્દીમાં આપેલા તેમના ભાષણમાં પાકિસ્તાનને ત્રાસવાદીઓને ગ્લોરીફાય કરવા અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આહવાન કર્યું હતું. રાજનાથના ભાષણના પ્રસારણ પર રોક લગાવાતાં ચૌધરી નિસાર તરફથી આયોજિત લંચનો બહિષ્કાર કરી રાજનાથ તરત દિલ્હી પરત ફર્યા હતા. કોઇ ભારતીય પ્રધાને પાકિસ્તાનની ધરતી પરથી તેને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હોય તેવું પહેલી વાર બન્યું છે.
પાકિસ્તાનને કડક સંદેશો આપતાં રાજનાથે કહ્યું કે, ત્રાસવાદીઓને શહીદ તરીકે ગ્લોરીફાય ન કરવા જોઇએ. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. ત્રાસવાદી બસ ત્રાસવાદી હોય છે. તેમાં સારા ત્રાસવાદી અને ખરાબ ત્રાસવાદીના ભેદ રાખવા ન જોઇએ. ત્રાસવાદ અને ત્રાસવાદીઓની માત્ર નિંદા કરવી પૂરતું નથી. પાકિસ્તાન સરકારે ભાષણના મીડિયા કવરેજ પર રોક લગાવી દીધી હતી. ભાષણ સમયે ભારતીય પત્રકારોને કોન્ફરન્સ રૂમમાંથી બહાર જવા કહી દેવાયું હતું.
તાજેતરમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ૮ જુલાઇએ કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં માર્યા ગયેલા હિઝબુલના આતંકી બુરહાન વાનીને શહીદ ગણાવ્યો હતો તેના સંદર્ભે રાજનાથે ઇસ્લામાબાદમાં ત્રાસવાદ મુદ્દે ટિપ્પણી કરી છે. રાજનાથે એમ પણ કહ્યું કે, ત્રાસવાદનું સમર્થન કરતા લોકો, સંગઠનો અને દેશો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.