લગ્નનો લાડુ ખાવો છે? તો પરીક્ષા પાસ કરવી ફરજિયાત

Wednesday 04th December 2019 05:46 EST
 
 

જાકાર્તા: લગ્ન માટે કહેવાય છે કે આ એક એવો લાડુ છે જે ખાય છે તે પણ પસ્તાય છે, અને નહીં ખાનારા પણ પસ્તાય છે. ઇન્ડોનેશિયામાં આજકાલ લગ્ન મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે કેમ કે સરકારે લગ્નોત્સુકો માટે પ્રિ-વેડિંગ કોર્સ શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેમાં લગ્ન કરીને સહજીવનનો પ્રારંભ કરવા થનગનતા યુગલોને દામ્પત્યજીવનના પગલે તેમના જીવનમાં આવનારા ફેરફારો અંગે શિક્ષણ અપાશે. જેમાં પોતાના અને જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવાથી માંડીને બીમારીઓથી બચવા અને બાળઉછેરની તાલીમ સુદ્ધાં સામેલ હશે. જેથી દામ્પત્યજીવન સફળ થાય.

લગ્નોત્સુકો માટે ફરજિયાત કોર્ષ

તમામ લગ્નલાયક યુવક-યુવતીઓ માટે આ કોર્સ ફરજિયાત સરકારે નક્કી કર્યું છે. તેમાં નાપાસ થનાર યુવક કે યુવતીને સરકાર લગ્નનો અધિકાર આપશે નહીં. સ્થાનિક અખબાર ‘જાકાર્તા પોસ્ટ’ના અહેવાલ મુજબ આ કોર્સ આવતા વર્ષે ૨૦૨૦માં લાગુ થશે અને વિનામૂલ્યે શિક્ષણ અપાશે. ત્રણ મહિનાનો આ અભ્યાસક્રમ ઇન્ડોનેશિયાના માનવવિકાસ અને સાંસ્કૃતિક - ધાર્મિક મંત્રાલય અને આરોગ્ય વિભાગે સાથે મળીને તૈયાર કર્યો છે.
આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ કિરાના પ્રીતસરીએ કહ્યું કે આવું કંઇ પહેલી વખત નથી થઈ રહ્યું. અગાઉ પણ સંબંધિત વિભાગ લગ્નલાયક યુવક-યુવતીઓને તાલીમ આપતા રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે હવે તે સંપૂર્ણ દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. કોર્સ બિલકુલ સરળ છે, પરંતુ જો કોઈ યુગલ તેમાં ફેઈલ થશે છે તો ઇન્ડોનેશિયાની સરકાર તેમનો લગ્ન કરવાનો અધિકાર છીનવી લેશે.
પ્રીતસરી કહે છે કે આ પ્રકારે લગ્ન પૂર્વેના અભ્યાસક્રમનો હેતુ એ નક્કી કરવાનો છે કે દરેક યુગલ દામ્પત્યજીવનને સંભાળવા અને માતા-પિતા બનવા માટે ભાવનાત્મક અને શારીરિક રીતે સજ્જ બને.
ઇન્ડોનેશિયાના માનવ વિકાસ અને સાંસ્કૃતિક પ્રધાન મુહાજિર એફેન્દી કહે છે કે દરેક વ્યક્તિ લગ્ન કરવા માંગે છે, પરંતુ લગ્ન કરવા અને પરિવાર ચલાવવો એક અલગ વાત છે. આ કોર્ષમાં માત્ર લગ્નને સફળ બનાવવાના નુસ્ખા જ નહીં જણાવાય, પરંતુ બાળકોની દેખરેખ કરવી, બીમારીઓથી બચાવ અને આરોગ્યનું જતન કરવું વગેરે પણ શીખવાડાશે.
એફેન્દીએ કહ્યું હતું કે આ કોર્ષ ફરજિયાત કરવાનું કારણ એ છે કે લોકો લગ્ન પછી પણ પારિવારિક જીવન માટે સંપૂર્ણપણે જવાબદાર રહે. ત્રણ મહિના સુધી ચાલનારા આ કોર્સમાં રોજિંદા ઘરેલુ જીવન સાથે સંકળાયેલી દરેક ઝીણવટભરી વાત શીખવાડાશે. જેમાં આર્થિક આયોજનનો મુદ્દો પણ સામેલ છે. આ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને યુગલને જ લગ્ન કરવાની મંજૂરી અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter