જાવાઃ કહેવાય છે કે લગ્ન એ અતૂટ બંધન છે પરંતુ કેટલાક લોકો જીવનમાં અનેક લગ્ન કરી લેતા હોય છે. ઇન્ડોનેશિયામાં આવી જ એક વ્યક્તિ છે જેણે પોતાના જીવનમાં એટલી બધી વાર લગ્ન કર્યાં છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. મજાની વાત એ છે કે આ ભાઈના પરણવાના કોડ હજુ પણ પૂરા નથી થયા અને તે 88મી વાર લગ્ન કરવા માટે તૈયાર છે.
કાન નામના આ 61 વર્ષીય મહાશયે પોતાની વયના આંકડા કરતાં પણ વધારે વાર લગ્ન કર્યા છે. મજાની વાત એ છે કે કાન હવે 88મી વાર લગ્નગ્રંથીથી જોડાવા માટે તૈયાર છે અને આ વખતે તે એ જ મહિલાને પત્ની બનાવવા માટે તૈયાર થયો છે, જેને થોડાક મહિના પહેલાં જ તેણે છૂટાછેડા આપ્યા હતા. આ વ્યક્તિને સ્થાનિક સ્તરે લોકો ‘પ્લેબોય કિંગ’ તરીકે ઓળખે છે.
88મા લગ્ન માટે તૈયાર
પશ્ચિમ જાવાના મેજેગેંગ્કામાં રહેતો 61 વર્ષીય કાન પોતાના જીવનના 88મા લગ્ન કરવા માટે એકદમ તૈયાર છે. આ વખતે કાન જેમની સાથે લગ્ન કરવાનો છે એ તેમની 86મી પત્ની રહી ચૂકી છે. કાનના કહેવા અનુસાર ઘણા લાંબા સમય પહેલા જ તે બન્ને અલગ થઈ ગયા હતા, પરંતુ બંને વચ્ચે કંઈ એવો સંબંધ છે જે તેમને ફરી એક કરવાનો છે. તે સમયે કાને પોતાની આ પત્નીને એક મહિના બાદ જ છૂટાછેડા આપી દીધા હતા. જોકે તે હજુ પણ કાનને પ્રેમ કરતી હતી. આથી જ્યારે તેણે ફરી વાર ઘર વસાવવાની ઇચ્છા વ્યક્ત કરી તો કાન તેના પ્રસ્તાવને નકારી શક્યો નહોતો.
14 વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન
કાને પોતાના પ્રથમ લગ્ન માત્ર 14 વર્ષની વયે કર્યા હતા અને તે સમયે તેની પહેલી પત્ની તેના કરતા બે વર્ષ મોટી હતી. બે વર્ષ બાદ જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. કારણ કે કાનને તેનો એટિટ્યૂડ સારો નહોતો લાગતો. કાનના કહેવા અનુસાર તેણે ક્યારેય એવું નથી કર્યું કે જે મહિલાઓ માટે સારું ન હોય. તે ક્યારેય કોઈની લાગણી સાથે પણ રમ્યો નથી. કાને અત્યાર સુધીમાં 87 લગ્ન કરી નાખ્યા છે અને હજુ પણ આ સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે, જે નજીકના ભવિષ્યમાં તો અટકે તેવું લાગતું નથી.