નવી દિલ્હીઃ વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના 50 મહાનતમ સ્થળોની આ વર્ષની યાદી જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના લદાખ અને ઓડિશાના મયૂરભંજને પણ સ્થાન મળ્યું છે. મેગેઝિને જણાવ્યું છે કે આ વર્ષે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થઇ છે પણ ટ્રાવેલિંગ માટેના સ્થળોની લોકોની પસંદગીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. લદાખે એડવેન્ચર માટે જ્યારે મયૂરભંજે પ્રાચીન મંદિરો અને રેર બ્લેક ટાઇગર્સ બદલ યાદીમાં સ્થાન મેળવ્યું છે. યાદીમાં લદાખ 31મા અને મયૂરભંજ 32મા સ્થાને છે.
લદાખ અંગે ‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું છે કે પર્વતાળ લેન્ડસ્કેપ અને તિબેટિયન બૌદ્ધ કલ્ચરથી સમૃદ્ધ ઉત્તર ભારતનો છેડો છે, જ્યાંની વારંવારની મુલાકાતો પછી પણ સહેલાણીઓને સંતોષ થતો નથી. આ વર્ષે ભારતે લદાખના પાટનગર લેહથી 168 માઇલ દક્ષિણ-પૂર્વમાં હાન્લે ગામમાં ડાર્ક સ્કાય રિઝર્વ શરૂ કર્યું છે. ગામમાં વર્ષના લગભગ 270 દિવસ દરમિયાન રાત્રે આકાશ સ્વચ્છ રહેતું હોવાથી ખગોળશાસ્ત્રીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. મયૂરભંજ અંગે મેગેઝિન કહે છે કે આ વિશ્વનું એવું એકમાત્ર સ્થળ છે કે જ્યાં અત્યંત રેર એવા બ્લેક ટાઇગર જોવા મળે છે. મયૂરભંજમાં સિમિલિપાલ નેશનલ પાર્ક સહિત ઘણા
સ્થળો સહેલાણીઓ માટે આકર્ષણરૂપ છે. મયૂરભંજનો 'મયૂરભંજ છાઉ' ડાન્સ ફેસ્ટિવલ યુનેસ્કોના કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સ્થાન ધરાવે છે.
2023ના ટોપ 10 એક્સ્ટ્રાઓર્ડિનરી ડેસ્ટિનેશન
1) ટેમ્પા-ફ્લોરિડા 2) વિલામેટ્ટે વેલી-ઓરેગોન 3) રિયો ગ્રાન્ડે-મેક્સિકો 4) ટક્સન-એરિઝોના 5) યોસેમાઇટ નેશનલ પાર્ક-કેલિફોર્નિયા 6) બોઝમેન-મોન્ટાના 7) વોશિંગ્ટન-ડીસી 8) વાનકુવર- કેનેડા 9) ચર્ચિલ-મેનિટોબા 10) ડિજોન-ફ્રાન્સ