નવી દિલ્હી: ચીને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક ફરી એક વાર ડેરાતંબૂ તાણીને અવળચંડાઈ કરી છે. ચીનના સૈન્યએ હાલમાં જ અક્સાઈ ચીન અને સિયાચીન ગ્લેશિયર વચ્ચેના વ્યૂહાત્મક વિસ્તારમાં 200થી વધુ શેલ્ટર હોમ બનાવ્યાં છે. આ શેલ્ટર ચીનના સૈનિકોને શિયાળામાં રાહત આપવા માટે બનાવાયાં છે. ચીને આશરે સરહદથી 15થી 18 કિમી અંદર તેમના સૈનિકો માટે પ્રિ-ફેબ્રિકેટેડ શેલ્ટર બનાવ્યાં છે. ભારતીય સૈન્ય સિયાચીન ગ્લેશિયરમાં આવાં શેલ્ટર બનાવે છે. આ શેલ્ટરની અંદરનું તાપમાન બહાર કરતાં ઘણું ગરમ રહે છે. વળી, ચીને આ શેલ્ટર ઘૂસણખોરીમાં સૈનિકોને મદદ કરવા બનાવ્યાં છે. આ પૈકી મોટા ભાગનાં શેલ્ટર ચીને ઓક્ટોબરમાં બનાવ્યાં હતાં, જ્યારે શી જિનપિંગ ત્રીજી વાર ચીનના પ્રમુખ તરીકે પસંદ થયા હતા.
ભારતીય સૈનિકો પેટ્રોલિંગ નથી કરી રહ્યાં
ચીનના સૈન્યએ 2020માં લદાખના પાંચ વિસ્તારમાં અતિક્રમણ કર્યું હતું, જ્યાંથી તેમને વાપસી થઇ ચૂકી છે. જોકે, દેપસાંગ અને ડેમચોકમાં જૂની ઘૂસણખોરી યથાવત્ છે. દેપસાંગમાં ચીનના સૈનિકો હાજર હોવાથી ભારતીય સૈનિકો પરંપરાગત પેટ્રોલ પોઇન્ટ્સ 10, 11, 12, 13, 14 સુધી નથી જઈ શકતા. સિનિયર કમાન્ડર સ્તરની બેઠકમાં ભારત દેપસાંગ અને ડેમચોક મુદ્દે વાંધો ઉઠાવી ચૂક્યું છે, પરંતુ નવા શેલ્ટર બનતાં સ્પષ્ટ છે કે ચીન ત્યાંથી પીછેહઠ કરવા તૈયાર નથી.