નવી દિલ્હીઃ પૂર્વ લદાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે જારી વિવાદમાં ચારેય તરફની રણનીતિની અસર દેખાવા લાગી છે. પાંચમી મેથી આક્રમક વલણ બતાવતા ચીનના લશ્કરે છેલ્લા ચાર દિવસથી અહીં કોઈ સૈન્ય ગતિવિધિ નથી કરી. અહેવાલો પ્રમાણે, પીપલ્સ લિબરેશન આર્મીએ વિસ્તારોમાંથી પાછળ ખસવાનું શરૂ કર્યું છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદમાં અતિક્રમણ ચાલતું હતું. જોકે, ભારત ચીન સાથે સરહદી વિવાદો થાય ત્યારે દ્વિપક્ષીય વાતચીત અને ચીન સૈન્ય ખડકી દે એ પછી દબાણમાં નહીં આવીને સમાન સૈન્ય ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો સહારો લે છે. આ કારણસર ચીનના સૈનિકોની ટુકડીઓ ગલવાન નાલા વિસ્તારથી બે કિ.મી. પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. જોકે, પેટ્રોલ પોઈન્ટ ૧૪, ગોગરા પોસ્ટ અને ફિંગર-ફોર નજીક હજુયે ચીની સૈનિકો છે. ગલવાન નાલામાં ચીની સૈનિકો ઘણાં આગળ આવ્યા હતા, પરંતુ આ વિસ્તારમાં પહેલા કોઈ વિવાદ ન હતો. નોંધનીય છે કે, બંને દેશ વચ્ચે ૬ જૂને લે. જનરલ રેન્કના સૈન્ય અધિકારીઓની બેઠક થવાની છે, જેમાં બંને દેશનો વિવાદ ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારત તરફથી આ બેઠકની આગેવાની ભારતીય સેનાની ૧૪ મી કોરના કમાન્ડર લે. જનરલ હરિન્દર સિંહ લે તેવી શક્યતા છે.