નવી દિલ્હીઃ લદ્દાખ મોરચે ભારત સાથેના સંઘર્ષ સામે હિમાલયમાં ચીન વારંવાર દગાબાજી કરી રહ્યું છે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ - એલએસી) પરથી સૈનિકોને પાછા બોલાવવા સંમત થયા પછી ચીન હવે આ બાબત ઠાગાઠૈયા કરી રહ્યું છે. બીજી તરફ, ચીને ગયા વર્ષે લદ્દાખ ક્ષેત્રમાં એલએસી પર અંદાજે ૫૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા, પરંતુ ચીની સૈનિકો ત્યાં હિમાલયની ઠંડીનો સામનો કરી શક્યા નથી. પરિણામે ચીને હવે આજુબાજુના અન્ય ક્ષેત્રોમાંથી નવા સૈનિકો નિયુક્તિ કર્યા છે. ભારતીય સૈનિકો લદ્દાખના કાતિલ બર્ફિલા વાતાવરણમાં ફરજ બજાવવા ટેવાયેલા હોવાથી તેમને કોઇ તકલીફ પડી નથી, પરંતુ ચીની સૈનિકો આવા માહોલથી ટેવાયેલા ન હોવાથી તેને અહીં ડ્યુટી બજાવતા ૯૦ ટકા સૈનિકો બદલવા ફરજ પડી છે.
ભારત-ચીન વચ્ચે કુટનીતિજ્ઞ અને કોર્પ્સ કમાન્ડર સ્તરની ૧૧ તબક્કાની વાટાઘાટો યોજાઈ હતી, જેમાં ચીન સરહદ પર યથાસ્થિતિ જાળવવા અને સૈનિકોને પાછા ખેંચવા સંમત થયું હતું. આ સમજૂતીને પગલે ચીન અને ભારતે પેંગોંગ ત્સો લેક પરથી સૈનિકોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જે આ વર્ષે પૂરી થઈ હતી. પરંતુ હવે ચીને ફરીથી દગાબાજી શરૂ કરી છે. પેંગોંગ ત્સો સરોવર પછી ચીને ગોગરા અને હોટ સ્પ્રિંગ પરથી સૈન્યને પાછું ખેંચવાનું હતું, પરંતુ હવે ચીનેનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સૈનિકોને હટાવવા માટે સ્થાનિક સ્તરના કમાન્ડો દ્વારા નિર્ણય લેવાય તે જરૂરી છે. ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ચીને તેના સૈનિકોને પાછા હટાવવા જ પડશે.
ચીન ઈચ્છે છે કે ગોગરા-હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સૈનિકોના પાછા હટવાની પ્રક્રિયા સ્થાનિક કમાન્ડરોના સ્તર પર થાય. તેના માટે વિશેષ બેઠક બોલાવવાની જરૂર નથી. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે તેના સૈનિકોનો જીવ જોખમમાં હોવા છતાં ચીન આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા માગતો નથી.