વોશિંગ્ટન: યુએસ સાંસદોએ ચીનને કહ્યું છે કે, તે ભારત સાથેના વિવાદનો હવે અંત લાવે. ચીની સૈનિકોએ ભારતમાં ઘૂસણખોરી કરીને ૨૦ જવાનોની હત્યા કરી તેની નોંધ પણ અમેરિકાએ લઈને સાંસદોએ સંસદમાં રિઝોલ્યુશન પણ પસાર કર્યું છે. ભારતીય-અમેરિકન સાંસદ રાજા ક્રિષ્નમૂર્તિ અને તેમના સહયોગી સાંસદોએ અમેરિકન સંસદમાં આ રિઝોલ્યુશન રજૂ કર્યું હતું. તેમાં ખન્ના, ફ્રેન્ક પેલોન, ટોમ સુઓઝી, ટેડ યોહો, જ્યોર્જ હોલ્ડિંગ, શેલા જેકોસન, હેલે સ્ટીવન્સ સાંસદો પણ જોડાયા હતા. આ રિઝોલ્યુશનમાં જણાવાયું કે, ચીની સૈનિકોએ ભારતની જમીનમાં ઘૂસણખોરી કરીને વિવાદ વધાર્યો છે. આ રિઝોલ્યુશનમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા તે ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જોકે ૧૭મી જુલાઈના અહેવાલો અનુસાર અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને ચીન બંને સાથે પ્રેમ, શાંતિ માટે પૂરતા પ્રયાસ કરીશ. ભારત-ચીન તણાવ સાથે જોડાયેલા સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ કાયલે મેકનીએ ૧૭મીએ મીડિયાને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત અને ચીનના લોકોને પ્રેમ કરે છે. બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના માટે તેઓ દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છે.