લદ્દાખઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ રઘવાયા બનેલા પાકિસ્તાને વધુ એક પગલું ભર્યું છે. તેણે સરહદે સ્થિતિ તણાવભરી બને તે માટે અવિચારી પગલાં લેવાના શરૂ કર્યા છે. પાકિસ્તાને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સરહદની પેલે પાર આવેલા તેના સ્કર્દૂ એરબેઝ પર ત્રણ સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાન, જેએફ-૧૭ લડાકુ વિમાન, મિસાઇલ ટેન્ક તથા બીજો કેટલોક સામાન ખડકીને આડકતરી રીતે તેની લશ્કરી તાકાત દેખાડી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની એરફોર્સના ત્રણ સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાન યુદ્ધનો સામાન કેટલો સામાન લઈને સ્કર્દૂ એરબેઝ પર આવ્યા હતા. ઇદ જેવા પાવન પ્રસંગે પણ પાકિસ્તાને વાઘા અટારી બોર્ડર પર બીએસએફ ઇદની મીઠાઈ ન સ્વીકારી. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશ સરહદે બીએસએફના જવાનોએ સાથે મળીને ઉજવણી કરી હતી. એકબીજાને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવ્યું હતું.
સૈન્ય કમાન્ડરે બેઠક યોજી
આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે, પરીણામે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન હવે સરહદે ગમે તેમ કરીને આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવા તેમજ ગોળીબાર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સૈન્ય દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાન એલઓસી પર આતંકીઓનું પ્રમાણ વધારી રહ્યું છે, માટે પાકિસ્તાની સૈન્યએ કવાયત પણ શરૂ કરી છે. ૩૭૦ રદ કરાઇ તે બાદ એજન્સીઓ કાશ્મીરમા વધુ સક્રીય થઇ ગઇ છે જ્યારે એલઓસી પર સૈન્ય તેમજ એરફોર્સના જવાનોની સંખ્યા પણ વધારી દેવાઇ છે.