નવી દિલ્હીઃ ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં ઘૂસી ગયા હતા. ભારતના ઉત્તર લદ્દાખમાં ટ્રેક જંક્શન, મધ્ય લદ્દાખમાં પ્યોગોંગશોક લેક અને દક્ષિણ લદ્દાખમાં ચુમરના વિસ્તારોમાં આ ચીને ઘૂસણખોરી કરી હતી. ત્રણ દિવસમાં ત્રણ વખત આ ઘૂસણખોરી કરી ચીને ફરી ભારતને યુદ્ધ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ચીન છેલ્લા ૧૫ દિવસથી સરહદે ઘૂસણખોરી વધારી રહ્યું છે. સૌ પ્રથમ સિક્કિમ, પછી હિંદ મહાસાગાર અને હવે લદ્દાખમાં ઘૂસણખોરીનો બનાવ સામે આવ્યો છે. ઉત્તરાખંડમાં પણ થોડા દિવસ પહેલા ચીની સૈનિકોએ હવાઇ સરહદ પાર કરી ભારતમાં ઘૂસણખોરી કરી હતી. અહીં કેટલાક ચીની હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. જ્યારે છેલ્લા ૪૫ દિવસમાં ચીને સરહદે ૧૨૦ વખત ઘૂસણખોરી કરી છે. ગત વર્ષે પણ ૨૪૦ વખત ભારતમાં ચીની સૈનિકો ઘૂસ્યા હતા. આટલી હદે ઘૂસણખોરી છતાં ચીન વિશ્વ સામે એવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે કે, હાલમાં સિક્કિમ સરહદે ચીને નહીં પણ ભારતીય સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી.
ભારત પર ‘પંચશીલ કરાર’ના ભંગનો આરોપ
ચીન દ્વારા એક તરફ સિક્કિમમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે બીજી તરફ ભારત પર આ દેશે આરોપો લગાવ્યો છે કે ભારત પોતાના જ નાગરિકોને સરહદ વિવાદ મામલે ગેરમાર્ગે દોરી રહ્યું છે. ભારત જે વિસ્તાર મામલે વિવાદ સર્જી રહ્યું છે તે ચીનનો જ છે. તેની સાથે ભારતને કંઈ લેવાદેવા જ નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું છે કે ૧૯૫૦માં ભારત, ચીન અને મ્યાનમારે મળીને એકબીજા સાથે સાથસહકાર માટે પંચશીલ એટલે કે પાંચ સિદ્ધાંતનો કરાર કર્યો હતો તેનો ભારતે ભંગ કર્યો છે.