કમ્પાલાઃ સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન પ્રતિનિધિમંડળે કહ્યું કે, ભારતીય આર્મીએ કાશ્મીર પર કબજો જમાવ્યો છે. પાકિસ્તાનની આ હરકતનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને સણસણતો જવાબ આપ્યો હતો કે, લશ્કરી શાસન એ પાકિસ્તાનની પરંપરા રહી છે. પાકિસ્તાનનો ઈતિહાસ ખરાબ રહ્યો છે. ત્યાંની પ્રજા ૩૩ વર્ષ લશ્કરી શાસનની એડી હેઠળ કચડાઈ છે. ભારતમાં ક્યારેય લશ્કરી શાસન આવ્યું જ નથી અને લોકો તેનાથી પરિચિત પણ નથી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના વડપણ હેઠળનું ભારતનું પ્રતિનિધિ મંડળ યુગાન્ડા ગયું હતું. જેમાં સાંસદ અધીર રંજન ચૌધરી, રૂપા ગાંગુલી અને એલ હનુમંથૈયા તેમજ અપરાજિતા સારંગી અને સ્નેહલતા શ્રીવાસ્તવ સામેલ છે.