વોશિંગ્ટન: અમેરિકાના ઓહાયોની લાઈબ્રેરીમાં 93 વર્ષ પછી એક પુસ્તક પરત પહોંચ્યું છે. પહેલી નજરે ભલે આ વાત માન્યામાં આવે તેવી ન લાગતી હોય, પણ હકીકત છે. અહીંની લિકિંગ કાઉન્ટીમાં આવેલી લાઈબ્રેરીમાંથી આ પુસ્તક 1931માં વાચકને ઇસ્યુ થયું હતું. પુસ્તકનું નામ ‘હાર્ટ થ્રોબ્સઃ ધ ઓલ્ડ સ્ક્રેપ બુક’ છે. પુસ્તક 1905માં પ્રકાશિત થયું હતું. તેમાં ઘણા લેખકોની કવિતાઓ સમાયેલી છે. પુસ્તક પરત કરનાર વ્યક્તિનું કહેવું છે કે આ પુસ્તક તેને સંબંધીના એક ઘરમાંથી મળી આવ્યું હતું. આ પુસ્તક જૂના સામાનની વચ્ચે સુરક્ષિત રીતે પડેલું હતું. પ્રારંભે તો તેને અવઢવ હતી કે આટલા વર્ષો બાદ લાઇબ્રેરીને પુસ્તક પરત પહોંચાડવું જોઇએ કે કેમ, પરંતુ પછી તેને વિચાર આવ્યો કે જો આ પુસ્તક લાઇબ્રેરીમાં હશે તો બીજા વાચકોને પણ તેને વાંચવાનો લાભ લઇ શકશે. પુસ્તક પરત મેળવનાર લાઇબ્રેરીની સર્ક્યુલેશન સિસ્ટમના સુપરવાઇઝર લેહ નિકનું કહેવું છે કે મેં આ પુસ્તક વિશે પહેલીવાર સાંભળ્યું ત્યારે વિચાર્યું કે આ તો એક મજાક જ હોવી જોઇએ, કારણ કે આવું મારી જિંદગીમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું. જોકે ખરેખર પુસ્તક મળ્યા બાદ મારા આનંદનો પાર રહ્યો નહોતો. તેને તો એવું જ લાગ્યું કે જાણે ઇતિહાસ રચાઇ ગયો.